Sunday, January 19

જૂનાગઢ શહેર બન્યું યોગમય : અનેક સ્થળોએ યોગનાં યોજાયાં કાર્યક્રમો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આજે વિશ્વ યોગ દિવસની સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર-ઠેર યોગનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક ધરોહર સમા ઋષિમુનિઓએ જે યોગ અને તેનાં ફાયદા તેમજ યોગાસન અંગે જે જનમાનસમાં આજથી વર્ષોપૂર્વે જાગૃતિ ફેલાવી હતી અને લોકોનું આરોગ્ય સ્વસ્થ અને સારૂં રહે તે માટેનાં મહત્તમ પ્રયત્નો કરેલાં હતાં. આપણી ઋષિ સંસ્કૃતિ જીવંત રહે અને સમગ્ર વિશ્વમાં તેનો વ્યાપ વધે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૧મી જુનનાં દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે તે માટેનાં પ્રયત્નો હાથ ધરેલ અને સર્વ સંમતિ સાથે ર૧ મી જુનનાં દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે ત્યારે આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સંતો-મહંતો, શાળા-કોલેજા, જીલ્લા વહિવટી તંત્ર, સામાજીક સંસ્થાઓ,  વગેરે દ્વારા પણ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોમાં  યોગ ભગાડે રોગનાં કાર્યક્રમને આજે સાર્થક કર્યો છે. આજે જીલ્લાકક્ષાનાં યોગાસનનાં કાર્યક્રમમાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઐતિહાસિક, સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જૂનાગઢ જિલ્લામાં ૧૩૫૬ સ્થળોએ ૩ લાખથી વધુ લોકો “યોગ ફોર હાર્ટ કેર”ની થીમ સાથે યોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, મેયરઆદ્યશકિતબેન મજમુદાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
યોગ એ માત્ર શારીરિક કસરત નથી પરંતુ જીવનશૈલી સાથે જોડાયેલા માનવતાના આદર્શ સિધ્ધાંતો છે. ગુજરાત સરકાર પણ રાજયના નાગરિકોમાં આ સિધ્ધાંતોનાં અનુરોપણ માટે સક્રિય છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લોકો સાથે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ- બાળકો, સમાજશ્રેષ્ઠી સૌ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતાં. પ્રધાનમંત્રીશ્રીનાં પ્રેરક સંદેશાનું યોગ અભ્યાસનાં સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા તેમજ જિલ્લા રમતગમત કચેરીની ટીમ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વ્યાયામ મંડળો, બ્રહ્માકુમારી, પતંજલી, સ્વામીનારાયણ મંદિર, આર્ટ ઓફ લીવીંગ, જૂનાગઢ મહિલા મંડળ, જિલ્લા પોલીસ, એનસીસી, હોમગાર્ડ સહિત સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લાના મુખ્ય સ્થળો કૃષિ યુનિવર્સિટી, જિલ્લા જેલ, પોલીસ તાલીમ કેન્દ્ર, ગિરનાર તળેટી ભારતી આશ્રમ, જોષીપુરા પટેલ કન્યા છાત્રાલય અને બહાઉદીન કોલેજ ખાતે સીનીયર સીટીઝન, લાયન્સ કલબ, રોટરી કલબ, સ્વામી વિવેકાનંદ મંડળ, સત્યમ સેવા યુવક મંડળ સહિતના લોકો યોગાભ્યાસમાં જાડાયા હતાં.

ઐતિહાસિક ૯ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરાઈ
આગવી ઐતિહાસિક વિરાસત ધરાવતા ગીરનાર પર્વતના અંબાજી મંદિરે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહિ માર્શલ આર્ટ એકેડેમીના સભ્યો જાડાયા હતાં. આ ઉપરાંત જૂનાગઢના ઉપરકોટ, મહોબ્બત મકબરા અને ભવનાથ તળેટીમાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો. નરસિંહ મહેતાનો ચોરો, બહાઉદીન કોલેજ, અક્ષર મંદિર અને વીલીંગ્ડન ડેમ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના રાજય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો, ગ્રામ્ય વિસ્તારો તેમજ નગરપાલિકા વિસ્તારમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ સવારનાં ૬-૧૫ થી ૮ કલાક સુધી યોજવામાં આવ્યો હતો.

Leave A Reply