Saturday, September 21

મનપાની ચુંટણી માટે ભાજપની તડામાર તૈયારી : દાવેદારોને સાંભળવા એક ડઝન નિરીક્ષકો જૂનાગઢમાં

જૂનાગઢ તા.રર
જૂનાગઢ મહાનગર પાલિકાની ચુંટણી માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મનપાની ચુંટણી લડવા થનગની રહેલા દાવેદારોને સાંભળવા આજે જૂનાગઢમાં પ્રદેશ ભાજપે એક ડઝન જેટલાં નિરીક્ષકોની ફોજ ઉતારી છે. આ નિરીક્ષકો તમામ દાવેદારોને સાંભળી સેન્સ લેશે બાદમાં હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે. જૂનાગઢમાં આવેલાં ભાજપનાં નિરીક્ષકો કુલ ૪ ઝોનમાં જઈ ૧ થી ૧પ વોર્ડનાં દાવેદારોની સેન્સ લેશે. દરમ્યાન વોર્ડ નં.૧ થી ૪ માટેનાં ઝોન ઈન્ચાર્જ તરીકે ચંદ્રેશભાઈ હેરમાની નિમણુંક કરવામાં આવી છે. ૧ થી ૪ વોર્ડનાં દાવેદારોને સવારનાં ૯.૩૦ થી સાંજનો ૪.૩૦ સુધી ખામધ્રોળ ચોકડી સ્થિત જીલ્લા ભાજપ કાર્યાલયે બિપીનભાઈ દવે, રમેશભાઈ મુંગરા અને અમીબેન પારેખ એમ ત્રણ નિરીક્ષકો સાંભળશે. જયારે વોર્ડ નં. પ થી ૮નાં ઝોન ઈન્ચાર્જ તરીકે ભરતભાઈ શિંગાળાની નિમણુંક કરવામાં આવી છે. દરમ્યાન ઝાંઝરડા રોડ સ્થિત સથવારા સમાજ ખાતે ૯.૩૦ થી ૪.૩૦ સુધી પ્રદેશ ભાજપનાં અમોહભાઈ શાહ, મેઘજીભાઈ કણઝારીયા અને વર્ષાબેન દોશી એમ ત્રણ નિરીક્ષકો દાવેદારોની સેન્સ લેશે. જયારે વોર્ડ નં.૯ થી ૧રનાં ઝોન ઈર્ન્ચાર્જની જવાબદારી પુનીતભાઈ શર્માને સોંપાઈ છે. શહેરનાં સુરજ મલ્ટીપ્લેક્ષ ખાતે ૯.૩૦ થી ૪.૩૦ સુધી બાબુભાઈ જેબલીયા, કિરીટસિંહ રાણા અને નીમુબેન બાંભણીયા સેન્સ લેશે.
જયારે વોર્ડ નં.૧૩ થી ૧પ વોર્ડનાં ઝોન ઈન્ચાર્જ તરીકે યોગીભાઈ પઢીયારની નિમણુંક થઈ છે. દરમ્યાન ગાંધીગ્રામ રેલ્વે ફાટક સ્થિત નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ૯.૩૦ થી ૩ વાગ્યા સુધી પ્રદેશ ભાજપનાં જયંતિભાઈ કવાડીયા, બાબુભાઈ બોખીરીયા અને જશુમતીબેન કોરાટ દાવેદારોની સેન્સ લેશે. આમ દિવસભર સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. બાદમાં મોવડી મંડળ અંતિમ નિર્ણય લેશે.

Leave A Reply