Tuesday, July 23

‘વાયુ’ વાવાઝોડાની આફતના પગલે કેરીની મોસમ વહેલી પુરી થઈ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશ-વિદેશમાં પણ કેસર કેરીની માંગ દર વર્ષે ખૂબ જ રહેતી હોય છે. કેરીની સીઝન આવે તો નાના, મોટા, અબાલ વૃધ્ધ સૌ કોઈ કેરીનો સ્વાદ માણવા તત્પર બની જતા હોય છે. આ વર્ષે શરૂઆતથી જ માર્કેટમાં કેરી આવવાની શરૂ થયાની સાથે જ ભાવ ઉંચા રહ્યા હતા. ૧૦ કિલોના બોક્સના રૂ.૧,૦૦૦ જેવો ભાવ બોલાતો હતો તેમ છતાં કેરીનું વેંચાણ થતું હતું જ અને સીઝન પણ સારી ચાલવાની હતી પણ ‘વાયુ’ વાવાઝોડાના આફતના કારણે કેરીની સીઝન વહેલી પુરી થઈ ગઈ હોય તેમ મનાઈ છે.
‘વાયુ’ વાવાઝોડાના કારણે કેરીની સીઝન વધારે ચાલી નહીં, જેના કારણે કેટલાક કેરી પ્રેમીઓ નિરાશ થયા છે. ૨૦૧૮માં કેરીની સીઝન વધારે સારી નહોતી, માર્કેટમાં ૧૦ કિલોના ૮.૩ લાખ કેરીના બોકસનું વેંચાણ થયું હતું. આ વર્ષે ૯ લાખ જેટલા કેસર કેરીના બોકસ માર્કેટ આવે તેવી શકયતા હતી જેની સામે માત્ર ૭.૭ લાખ બોકસનું વેચાણ થયું હતું. વાયુ વાવાઝોડું એક મોટી આફત સાબિત થયેલ તેમ તાલાલા એગ્રીકલ્ચર પ્રોડ્‌યૂસ માર્કેટ કમિટીના સેક્રેટરી એસ.એસ. જાંસરિયાએ જણાવ્યું હતું. એક અનુમાન પ્રમાણે વાયુના કારણે તા.૧૨,૧૩ અને ૧૪મી જૂને સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદે ૧ લાખ કેરીના બોકસ એટલે કે ૧૦ લાખ કિલો પાકી કેસર કેરીના જથ્થાને નુકસાન પહોંચાડયું હતું. કેસર કેરી માટે સૌથી મોટું માર્કેટ ધરાવતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના કુલ ૭.૭ લાખ બોકસનું વેંચાણ થયું હતું. જૂન પણ કેસર કેરી માટે એક સારો મહિનો હોય છે કારણ કે ત્યારે કેરી ઝાડ ઉપર જ સરસ રીતે પાકી જાય છે. પરંતુ આ વખતે તેની સંખ્યા વધારે નહોતી. તાલાલા એપીએમસી ખાતે દર વર્ષે તા.૨૫ જૂન સુધી કેરીનું વેંચાણ થાય છે. તાલાલાના કેસર કેરીના મુખ્ય વેપારી મનસુખ પરમારે જણાવ્યું હતું કે, અત્યંત ઠંડો પવન મોરને અસર કરતો હોવા છતાં આ સીઝનમાં વધારે સારો પાક થવાની આશા હતી. વાયુ એક મોટી આફત હતી કારણ કે ઝાડ ઉપર પાકનારી કેરીનો ૩૫ ટકા પાક નષ્ટ થઈ ગયો હતો. જે મહિનામાં સૌથી વધારે કેરી આવે છે તેમાં જ ઓછી સીઝન જોવા મળતાં કેરી પ્રેમીઓમાં થોડી નિરાશા છે. કેસર કેરી માટેનો સૌથી સારો સમય ૧૦ જૂન પછીનો છે જ્યારે ઝાડ ઉપર પાકેલી કેરી માર્કેટમાં આવે છે પરંતુ આ વખતે વરસાદે પાકને નુકસાન પહોંચાડયું, જે સારી રીતે પાકેલી નહોતી અને સ્વાદમાં ખાટી હતી તેમ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સીનિયર એકિઝકયુટિવ ભરત ભટ્ટે કહ્યું હતું. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા લલિતા પટેલ નામના ગૃહિણીએ કહ્યું કે, આ વર્ષે કેસર કેરીનો સારો પાક અમને મળ્યો નથી.

Leave A Reply