Tuesday, January 28

માતા પિતા એટીએમ કાર્ડ બને તો બાળકો તેમના આધાર કાર્ડ શા માટે ન બની શકે?

જૂનાગઢના કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં સંતોના દિવ્ય પ્રવચનો સાથેની સત્સંગ સભા યોજાઈ હતી. આ સત્સંગ સભામાં સંતોએ પોતાના પ્રવચનમાં સુચારૂ જીવન જીવવા વિષેના સુંદર વાક્યો રજૂ કરી તેને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. સંતોએ જણાવ્યું હતું કે, માતા પિતા એટીએમ કાર્ડ બન્યા છે ત્યારે સંતાનોની ફરજ છે તેમના આધાર કાર્ડ બનવાની. ધ્યાન ભજનમાં બીઝી રહો તો જીવન ઈઝી થઈ જાય છે. નદીની ગતિ સમુદ્ર તરફ, સરોવરની ગતિ કિનારા તરફ, લોભીની ગતિ ધન તરફ હોય છે તેમ ભક્તની ગતિ ભગવાન તરફ હોય છે. ઉપરવાળાને માનવાવાળા ઘણા છે, ઉપરવાળાનું માનવવા વાળા ઓછા છે. મૃત્યુ બાદ મોક્ષ પામવો હોય તો હરિભજનથી ભરપૂર જીવન જીવવું.જેણે મોટા થવું હોય તેમણે માપમાં રહેતા શિખવું જોઈએ. સત્સંગ જીવનને આબાદ બનાવે છે જયારે કુસંગ જીવનને બરબાદ બનાવે છે. ધાધર અને સત્સંગ બંને ખંજવાળે તો જ તાજા રહે છે, જેથી સત્સંગને સાથે રાખવા નિત્ય સંત સમાગમ, કથા, વાર્તા, કિર્તન ધ્યાન વગેરે કરવા. સત્સંગ સભાને દેવકૃષ્ણદાસજી સ્વામી, જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, સિધ્ધવલ્લભદાસજી સ્વામી, નંદકિશોરદાસજી સ્વામી, ઋષિકેશદાસજી સ્વામી, જયનારાયણદાસજી સ્વામી, વિવેકસ્વરૂપદાસજી સ્વામી, ઘનશ્યામપ્રિયદાસજી સ્વામી, તિર્થસ્વરૂપદાસજી સ્વામી, વેદાંતદર્શનદાસજી સ્વામી, શાસ્ત્રી હરિનારાયણદાસજી સ્વામી વગેરેએ કથા, સત્સંગ, પ્રવચનનો લાભ આપ્યો હતો. આ તકે સિધ્ધ વલ્લભદાસજી સ્વામી તેમજ ગુરૂકુળના છાત્રોએ સંગીત સાથે નંદ સંતોના મૂળ રાગમાં કિર્તન, ભક્તિનો લાભ આપ્યો હતો. બાદમાં ૮૦૦ થી વધુ હરિભક્તોએ સેવ, ચટણી, ખમણનો ભવ્ય ઉત્સવ માણ્યો હતો. હરિભક્તોને ગુરૂકુળમાં થતા સત્સંગનો લાભ લેવા હરિનારાયણસ્વામીએ અનુરોધ કર્યો હતો.

Leave A Reply