Tuesday, January 28

જૂનાગઢમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા અને સાંસદ પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સન્માન

માણાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં સમાજસેવાનાં સંકલ્પ સાથે વિજેતા થયેલાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ લોકસભાની ચુંટણીમાં જામનગર બેઠકનાં વિજેતા યુવા સાંસદ સુશ્રી પૂનમબેન માડમનું ગઈકાલે જૂનાગઢ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. આહિર સમાજ દ્વારા યોજાયેલાં આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણી, આગેવાનો, મહાનુભાવો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.
જૂનાગઢમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં આહિર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં ગુજરાત સરકારનાં મંત્રી મંડળનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, જામનગરના સાંસદ પુનમબેન માડમ વગેરે આહિર સમાજનું ગૌરવ વધારનારનું સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના કૃષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ સભાગૃહમાં યોજાયેલ સન્માન સમારોહમાં સન્માનના પ્રત્યુત્તરમાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સન્માન કરનારનું સમ્માન કરવું એ અમારી સંસ્કૃતિ છે.
સેવાના પ્રકલ્પો કરવા તે અમને જીવનમાં કાયમી માટે મળેલા છે જેથી સતત લોકોના કામ કરતા રહેશું. સાથો સાથ સમાજને ખાત્રી આપું છું કે, એવું કોઇ કામ નહી કરીએ કે જેથી સમાજને નીચું જોવાનું થાય. સમાજનું માથું ગર્વ સાથે ઉંચું રહે તેવા કામો કરતો રહીશ. આ તકે જામનગરના સાંસદ પુનમબેન માડમે પોતાના સન્માન પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, જયારે મારો સમાજ સન્માન કરે ત્યારે વધુ બળ મળે છે. સમાજમાં શિક્ષણની વાત ઉપર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજની પાયાની આવશ્યકતા છે. આપણે કન્યા કેળવણી ઉપર વિશેષ ધ્યાન આપીએ તે જરૂરી છે પરંતુ સાથો સાથ સમાજના દિકરાઓને પણ એજ્યુકેટેડ કરવાની અત્યંત જરૂર છે. સંસદમાં ગયા પછી સર્વે સમાજના વિકાસ માટે કામ કરીશ. આ તકે રાજશીભાઇ આંબલીયા, કારાભાઇ જાદવ, મુળુભાઇ બેરા, રાજસીભાઇ જોટવા, દેવાણંદભાઇ સોલંકી, નાગદાનભાઇ ડાંગર, લાભુભાઇ ખીમાણીયા, બી.એચ. કનારા, રામશીભાઇ ભેટારીયા સહિતના આહિર સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave A Reply