Saturday, September 21

જૂનાગઢ મહાનગરપાલિકાનો ચુંટણી મહાસંગ્રામ ર૧ જુલાઈએ : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર સર્જાશે : અપક્ષોની પણ બોલબાલા વધશે

જેની જોતાં હતાં વાટ તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ચુંટણી કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ જૂનાગઢ શહેરમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે. જૂનાગઢ મનપાની ચુંટણી અંગે ગઈકાલે ચુંટણીપંચે સાંજના જાહેરાત કરી છે. જે મુજબ જાહેરનામું ૧ જુલાઈએ જાહેર પડશે. જયારે ચુંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો પોતાનાં ઉમેદવારી પત્રો ૬ જુલાઈ સુધી ભરી શકશે. ભરાયેલા ઉમેદવારી પત્રોની ૮ જુલાઈનાં રોજ ચકાસણી કરવામાં આવશે. જયારે ૯ જુલાઈએ ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. શહેરમાં ૧પ વોર્ડમાં ર૧ જુલાઈનાં રવિવારનાં રોજ સવારનાં ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે અને સાંજના પ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જયારે મતદાન પૂર્ણ થયા બાદ ર૩ જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે અને એ રીતે ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. જો પુર્નઃ મતદાન કરવાની શકયતા ઉભી થાય તો તે માટે મતદાનના બીજા દિવસ એટલે કે રર જુલાઈ નક્કી કરવામાં આવેલ છે. આમ સમગ્ર ચુંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જતાં ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષ ચુંટણી જીતવા માટેની સોગઠાબાજી ગોઠવવામાં લાગી ગયા છે. જૂનાગઢ મનપાનાં શાસનની વાત કરીએ તો સૌપ્રથમ ર૦૦૪ થી ર૦૦૯ સુધી ભાજપનું શાસન રહ્યું હતું. બાદમાં સતા પરિવર્તન થયું અને ર૦૦૯ થી ર૦૧૪ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. જો કે બાદમાં ફરી પ્રજાએ ચુકાદો આપ્યો અને ભાજપનું શાસન આવ્યું. આમ જૂનાગઢની પ્રજાએ કોઈ શાસકોને રિપીટ કર્યા નથી ત્યારે આ વખતે પ્રજા નો રિપીટની થિયરી અપનાવશે તો કોંગ્રેસનાં જીતનાં ચાન્સ છે અને જો ઉમેદવારોની નવા ચહેરાની થિયરી અપનાવશે તો ભાજપ માટે જીતનાં ચાન્સ છે ત્યારે જૂનાગઢમાં ભાજપ, કોંગ્રેસ અને ભાજપ બાદ હવે ફરી કોનું શાસન આવશે તે તરફ નગરજનોની મીંટ મંડાશે.

Leave A Reply