Saturday, September 21

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર ચાલતાં ટયુશન કલાસને સીલ કરાયું

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે બે સ્થળે તંત્રએ બે શૈક્ષણિક સંસ્થાને સીલ માર્યા છે. જેમાં માન્યતા વગર ૧પ૦ જેટલાં બાળકોને પ્રવેશ આપીને શાળા ચાલુ કરી દીધાનું ખુલતાં તે શાળાનાં બિલ્ડીંગને સીલ મારી દેવામાં આવ્યું છે. જયારે જૂનાગઢમાં એનઓનસી વગર ચાલતાં એક ટયુશન કલાસીસને ફાયર સેફટી વિભાગે સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી. વિસાવદરનાં મોટા કોટડા ગામે ગત વર્ષે ચિરાગ પ્રાથમિક શાળાનાં માન્યતા જીલ્લા પ્રાથમિક વિભાગે રદ કરી હતી. છતાં આ શાળાનાં સંચાલક હરેશ સાવલીયાએ ભેંસાણનાં ચણાકા મુકામે આદર્શ શૈક્ષણિક સંકુલ નામે શાળા ચાલુ કરી હતી. જેમાં ૧પ૦ જેટલાં બાળકોને પ્રવેશ પણ આપી દીધો હતો.
શાળાની માન્યતા ન હોવા છતાં શાળા ચાલુ કરી હતી. સંચાલકે માન્યતા માટે દરખાસ્ત મુકી હતી. જે નામંજુર થઈ હતી. છતાં શાળા ચાલુ હોવાનું જાણમાં આવતાં ગઈકાલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એ.પટેલની સુચનાથી ભેંસાણનાં ટીપીઓ સુદાણી અને બીઆરસી સહિતનાં સ્ટાફે સ્થળ ઉપર જઈને બિલ્ડીંગ સીલ કરી દિધું હતું. જેનાથી હાલ અનેક બાળકોનાં ભાવી અધ્ધરતાલ થઈ ગયા છે. બીજી તરફ જૂનાગઢમાં ફાયર ઓફિસર મિસ્ત્રી, આસી.કમિશ્નર (ટેકસ) પ્રફુલ કનેરીયા સહિતનો સ્ટાફ ટયુશન કલાસીસનાં ચેકિંગમાં નીકળ્યો હતો. ત્યારે ઝાંઝરડા રોડ ઉપર મેરીઓટ પ્લાઝામાં બીજા માળે એનઓસી વગર ચાલતાં રીઝોનન્સ સ્ટડી સેન્ટરને સીલ મારી દિધું હતું. ફાયર ઓફિસર મિસ્ત્રીએ જણાવ્યું કે છેલ્લાં બે દિવસમાં આશરે ૩પ થી ૪૦ ટયુશન કલાસીસને એનઓસી આપવામાં આવી છે. અને હાલ શહેરનનાં તમામ સ્થળે તપાસ ચાલી રહી છે.

Leave A Reply