Tuesday, July 23

જૂનાગઢ શહેરમાં મેઘરાજાનો મિસકોલ : દિવસભર વાદળછાયું વાતાવરણ, શહેરમાં સંતોષકારક વરસાદ ન વરસ્યો

જૂનાગઢમાં જાણે મેઘરાજાએ મિસકોલ કર્યો હોય તેમ મંગળવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે તેમ છતાં થોડો છુટોછવાયો ઝરમર વરસાદ પડતાં લોકોની ધોધમાર સંતોષકારક વરસાદની આશા ઠગારી નિવડી હતી. જયારે જીલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સાર્વત્રીક ૧ થી ૪ ઈંચ વરસાદ વરસાવી દિધો હતો. વાવણી બાદ કાચા સોના સ્વરૂપે વરસેલા વરસાદથી ધરતીપુત્રો આનંદિત બની ગયા છે. બીજી તરફ જૂનાગઢ શહેરમાં મેઘરાજા કયારે મન મુકીને વરસી પડે તેની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે. જૂનાગઢ શહેર સહિત જીલ્લાભરમાં ગઈકાલે મંગળવારે વરસાદી માહોલ જામ્યો હોય તેમ આકાશમાં વાદળોએ જમાવટ કરી હતી. દિવસભર વાદળોની હડીયાપટ્ટીથી વરસાદનાં આગમનની પ્રતિક્ષા સેવાઈ રહી હતી. એમાંયે જીલ્લાનાં અનેક ગામોમાં દે ધનાધન ૧ થી ૪ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હોવાનાં વાવડ મળતા જૂનાગઢ જીલ્લાનાં ગ્રામય પંથકનાં લોકો આનંદિત બની ગયા હતા અને હવે જૂનાગઢમાં ઘટાટોપ વાતાવરણ બંધાયું છે. સુર્ય નારાયણ અદૃશ્ય થઈ ગયા છે તો મેઘરાજા જમાવટ કરશે તેવી આશા લોકોમાં બંધાઈ હતી. જો કે આખરે તમામ લોકોની આશા ઠગારી નિવડી હતી અને મેઘરાજાએ જાણે જૂનાગઢને બાયપાસ કરી દીધું હોય તેમ લાગ્યું હતું. જૂનાગઢમાં ગઈકાલે મંગળવારે માત્ર ૧ મીમી વરસાદ નોંધાયો છે. છુટોછવાયો વરસાદ નહિં છુટા છવાયા છાંટા પડતાં રોડ પણ ભીના થયા નહતા. પરિણામે મેઘરાજા હવે કયારે તુટી પડે અને લોકોને ગરમી બફારાથી મુકિત અપાવે તેની ઈંતેજારી લોકોમાં સેવાઈ રહી છે. દરમ્યાન જીલ્લાનાં ગ્રામ્ય તાલુકા પંથકમાં પડેલાં વરસાદ ઉપર નજર કરીએ તો ગઈકાલ સવારનાં ૬ થી સાંજના ૬ સુધીમાં કેશોદમાં ર ઈંચ, માળીયા હાટીના અને માણાવદરમાં ર.પ ઈંચ, વિસાવદરમાં ૧.રપ ઈંચ અને મેંદરડામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. હવે મેઘરાજા જૂનાગઢનો કયારે વારો લે છે અને મેઘમલ્હાર કરે છે તેની પ્રતિક્ષા જૂનાગઢીઓ કરી રહ્યાં છે. દરમ્યાન ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ તરફથી આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે આ ઉપરાંત બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ જ પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ પવનની ઝડપ વધારે હોવાની દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે.

Leave A Reply