તોરણીયાના નકલંકધામ ખાતે અષાઢી બિજ મહોત્સવ ઉજવાશે : લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

જૂનાગઢથી ૧ર કિ.મી.ના અંતરે આવેલા ધોરાજી તાબેના તોરણીયા ધામ ખાતે દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ બે દિવસીય અષાઢી બિજ મહોત્સવ ઉજવવામાં આવશે તે માટેની તમામ તૈયારીઓ મહંત રાજેન્દ્રદાસબાપુ, ગુરૂ કરશનદાસબાપુના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તિર્થ ક્ષેત્ર નકલંકધામ, તોરણીયા ખાતે યોજાનાર અષાઢી બિજ મહોત્સવ એવમ્‌ લોકમેળાને તા.૩ જુલાઈના રોજ ખુલ્લો મુકાશે ત્યારબાદ તા. ૪ જુલાઈના ધ્વજારોહણ, પુજા, અર્ચન સહિતના ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભાવીક, ભક્તજનોને ધર્મ સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઈડસ્‌ પણ આવી ચુકી છે. સાથો સાથ ખાણી-પીણીના તેમજ મનોરંજન પ્રવૃત્તિના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. આવનાર ભાવિકો માટે ભોજન પ્રસાદ, ચા-પાણીની પણ અદ્દભુત વ્યવસ્થા પૂ.રાજેન્દ્રદાસબાપુના માર્ગદર્શન હેઠળ ઉભી કરવામાં આવી છે.

તા.૩ અને ૪ બે દિવસ સુધી સંતવાણી યોજાશે
ભજનભૂમી તરીકે પ્રખ્યાત તોરણીયાધામમાં તા.૩ના રોજ રામદાસ ગોંડલીયા, લક્ષ્મણ બારોટ, બિરજુ બારોટ, ગીતાબેન રબારી, રાજભા, પુનશી, નિલેશ ગઢવી તેમજ તા.૪ના રોજ રાત્રે કિર્તિદાન, બિરજુ, લક્ષ્મણ બારોટ, રામદાસ, જીજ્ઞેશ કવિરાજ સહિતના નામાંકીત કલાકારો એક મંચ ઉપર તેની કલા પીરસશે.

Leave A Reply