જૂનાગઢ ગોકુલનગર સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીનો થશે બહિષ્કાર

જૂનાગઢ મહા નગરપાલિકા બન્યાને દાયકાઓ થયા પણ જૂનાગઢ જૂના સીમાંકન મુજબ વોર્ડ નં.૧૩ અને નવા સીમાંકન મુજબ કદાચ વોર્ડ નં.૧૧ જે શહેરના ગોકુલનગર સોસાયટી કહેવાય છે ત્યાંના રહિશો મહાનગરપાલિકા દ્વારા ગોકુલનગર સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તાઓમાં પડેલ ખાડાને કોરી મેટલ પાથરી પુરવાનું કામ શરૂ કરતાં સ્થાનિકો રોષે ભરાયા હતા અને કમિશ્નરને આ અંગે ટેલિફોનિક રજૂઆત કરી હતી જેનાથી પણ સંતોષકારક પ્રત્યુત્તરના મળતા આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જેના પગલે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ હોય, જૂનાગઢના રાજકારણમાં ગરમા-ગરમ ચર્ચાઓ ઉઠવા પામી હતી.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ગણતરીના દિવસોમાં મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે આવનારી ચૂંટણીની તૈયારીમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, સહિતના પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઉભવાનું નક્કી કરેલા ઉમેદવારો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે વર્તમાન સતાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ મહાનગરપાલિકાનું શાસન જાળવી રાખવા અને મેળવી લેવા મથી રહ્યા છે બંને પક્ષના મોવડીઓની હાલ જૂનાગઢ તરફ દોડધામ વધી ગઈ છે ત્યારે ભુતકાળમાં કરેલા કામના હિસાબ માંગવા અમુક લોકો થનગની રહ્યા છે આવો જ જૂનાગઢના વોર્ડ નં.૧૩ના લોકો રાજકીય પક્ષોથી નારાજ થઈ મતદાન ન કરી મતદાનનો બહિષ્કાર કરવાની જીદ લઈ બેઠા છે જૂના સીમાંકન મુજબ વોર્ડ નં.૧૩ અને નવા સીમાંકન મુજબ કદાચ વોર્ડ નં.૧૧ના લોકો વસવસા સાથે વ્યક્ત કરી રહ્યા છે કે, અમારા વોર્ડના નગર સેવકો રાજકારણ અને પક્ષમાં અસરકારક ભૂમીકા ભજવી શકે તેવા છે અને સતાધારી પક્ષ ભાજપમાં ઉપલા લેવલે પહોંચવાળા છે પરંતુ આ લગાવેલી આશા સ્થાનીકોની પાચ વર્ષ દરમ્યાન ઠગારી નીકડી નગરપાલિકા સમયથી વોર્ડની જે પરીસ્થીતી હતી તેની તેજ પરીસ્થીતી આજે છે સોસાયટી બની ત્યારથી ઉભી કરાયેલ વ્યવસ્થામાં નકકર રીતે અસરકારક સુધારો આ લોકો કરી શક્યા નથી રોડ,રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ અપાવવામાં પણ ગામમાં ભાજપના મોભાદાર થઈને ફરનારા આ વોર્ડના નગર સેવકો નિષ્ફળ નીવળ્યા છે જેના કારણે શાંત અને સહનશીલ પ્રજાનો રોષ ભડક્યો છે
આ વિસ્તારમાં રહેતા સ્થાનીક મહિલા મનીષા બેને જણાવ્યું હતું કે એક વર્ષ જેવા સમય ગાળાથી રોડની સમસ્યાથી મુશ્કેલી અનુભવીએ છીએ રોડ રસ્તા ઉપર આવી જવાથી વરસાદી પાણી ઘરમાં ઘુસી જાય છે રોડનું કામ પણ કરી ગયા છે જેમાં આ લોકોએ ફક્ત થાગળ થીગળ જ કરેલ છે રસ્તાના ખાડાઓમાં ફક્ત કોરી મેટલ પાથરી દેવાય છે. અન્ય એક સ્થાનિક રહિશમાં સરકારી વિભાગમાં ડે.ઇજનેર તરીકે કામ કરતાં પી.આર. પારઘીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા રસ્તાની છે અનેક લેખીક અને મૌખિક રજુઆતો નગરસેવકો અને જવાબદાર તંત્રને કરી છે આ સોસાયટીમાં વ્યવસ્થિત ખોદકામ કરી સિમેન્ટ રોડ બનાવવો ખુબ જરૂરી છે સાયકલથી લઈ ફોરવ્હીલ સુધીના વાહનો પારાવાર મુશ્કેલીથી પસાર થઈ શકે છે રોડ મકાનથી ઉપરના સ્તર ઉપર રોડ બનાવવાથી વરસાદી પાણી ઘરમાં ઘુસે છે અનેક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે. અન્ય સ્થાનિક રહિશ તુષાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વિસ્તારમાં શાસક ભાજપના મોભાદાર વ્યક્તિઓ રહે છે અને આ વિસ્તારના નગરસેવકો પણ સ્થાનિક ભાજપના ટોચના નેતાઓ છે છતાં આ વિસ્તારમાં પાણી, ગટર અને રસ્તાની સમસ્યા છે વ્યવસ્થિત ખોદકામ કરી આ વિસ્તારમાં ક્યારેય રોડ બનાવાયો જ નથી. આ વડીલોના વખતની સ્થાનિકોએ જાતે ઉભી કરેલી ગટર વ્યવસ્થા છે સોસાયટીના આગેવાનો દ્વારા ઉભી કરાયેલ પાણીની વ્યવસ્થા છે છતાં મહાનગરપાલિકાને પાણી વેરો આપીએ છીએ પરંતુ અમોને પાણી અપાતું જ નથી.
આટલા વર્ષો પછી પણ આ લોકો ગટરનું એક ભુંગળુ બદલાવી શક્યા નથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહિએ છીએ એવું લાગતુ નથી આથી શા માટે મહાનગરપાલીકાને ટેક્ષ ભરવો ? તેવો વેધક સવાલ પણ તેમણે ઉચ્ચાર્યો હતો. આ અંગે કમિશ્નરને ટેલીફોનીક રજુઆત કરી છે ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હોવાના જવાબ સાથે આગામી દિવસોમાં રૂબરૂ મુલાકાત લઈ પ્રશ્નોના નિરાકરણ લાવવા આશ્વાસન આપેલ છે.
જો કે અકળામણ અનુભવતા સ્થાનિકોએ કરી બતાવવા મન બનાવી લીધુ હોય તેમ વિસ્તારમાં ચારેક જેટલી જગ્યાએ આ વિસ્તારમાં ભાજપે કે કોંગ્રેસ કોઈ પક્ષના નેતાઓએ મત માંગવા આવવું નહીં તેવા બેનરો લગાવી દેવાયા છે આ વાતને પહેલા સહેલાઈથી લઈ તંત્રના એકપણ અધિકારીઓ કે પદાધિકારીઓ ફરક્યા ન હતા પરંતુ મતદાન બહિષ્કારની વાત સોશ્યલ મીડીયા અને સ્થાનીક પત્રકારો સુધી પહોંચતા તંત્ર દોડતું થયું હતું કમિશ્નર તેમજ સીટી ઇજનેર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ ઉપર પહોંચી કઈ રીતે કામ કરી શકાય તે અંગે ચર્ચાઓ આદરી હતી. કોર્પોરેટર શૈલેષ દવે પણ સ્થળ ઉપર પહોંચી દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર ઉપર ઢોળ્યો હતો તેમની બોડીએ નબળી કામગીરીના કારણે બ્લેક લિસ્ટ કરેલ હોવાનું જણાવ્યું હતું તેમજ કોર્ટે મેટર ચાલુ હોવા છતાં આ કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવા આજીજી કરતાં હોવાનું જણાવ્યું હતું ઉપરોક્ત વાતો કરી સ્થાનિકોને સમજાવવા પ્રયત્નો હાથ ધરતા મહિલાઓએ રીતસર રોષ ઠાલવી નગર સેવકને ખખડાવ્યા હતા અને કાર્યકાળ દરમ્યાન ફક્ત બીજી વખત મુલાકાતે આવતાં લોકોએ મોઢે પરખાવ્યુ હતું જો કે વાતાવરણ જોઈ ટેકેદારો સાથે આવેલા નગર સેવકે ચાલતી પકડી હતી તંત્ર સ્થાનિકોની માંગણી અને મુડ જોઈ રીતસર ઉંધે માથે થયુ હતું હમેશા શાંત શિક્ષિત અને સમૃધ્ધ ગણાતા આ વિસ્તારની પ્રજામાં ઓચિંતા રોષ ભભુકતા શહેરના રાજકારણમાં પણ ગરમાં ગરમ ચર્ચાનો માહોલ જામવા પામ્યો છે.

Leave A Reply