Tuesday, November 19

શું જૂનાગઢનાં મેયરપદનો તાજ ધીરૂભાઈ ગોહિલનાં શિરે રહેશે ?

જૂનાગઢ મનપામાં ભાજપે મેયર પદ માટેનો ચહેરો પસંદ કરી લીધો છે આ માટે જૂનાગઢનાં જાણીતા ઉદ્યોગપતિ અને ભગવાન સ્વામિનારાયણનાં ચુસ્ત અનુયાયી, સતાધારની જગ્યાનાં શિષ્ય એવા ધીરૂભાઈ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. ધીરૂભાઈ ગોહિલ હાલ અમેરીકા ગયા હોય ત્યાંથી તાત્કાલીક પરત ફરવા અને ચુંટણી તૈયારીમાં લાગી જવા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક ભાજપનાં નેતાઓનાં પરાક્રમથી કંટાળેલા પ્રદેશ ભાજપનાં નિરીક્ષકો, મોવડી મંડળ અને ખુદ સીએમ વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આમ ભાજપ જૂનાગઢ મનપાની ચુંટણી જીતશે તો મેયરપદ ધીરૂભાઈ ગોહિલનાં શિરે રહેશે તેઓ જૂનાગઢનાં મેયરનું પદ શોભાવશે. જૂનાગઢ મનપાની ચુંટણી જાહેર થઈ ગઈ છે. ર૧ જુલાઈએ મતદાન થવાનું છે હાલમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં બે જુથ વચ્ચેનો ટકરાવ જગજાહેર છે. જયારે ભાજપમાં પણ આંતરિક જુથવાદની કોઈ કમી નથી. ચારથી વધુ ગૃપો છે જે એકબીજાની ચાડી ચુગલી, ફરીયાદ અને ટાંટીયા ખેંચ કર્યા કરે છે. તો ભ્રષ્ટાચારથી જૂનાગઢ મનપા ખદબદી રહ્યું છે. પરિણામે ભાજપની છબી અત્યંત ખરડાઈ ગઈ છે. ત્યારે ભાજપને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સેવાભાવી પાર્ટીની છબી ઉપર લાગેલી ભ્રષ્ટાચાર, કુશાસનની ધુળને સાફ કરી સ્વચ્છ છબી લોકોનાં મનમાં સ્થાપિત કરે તેવા વ્યકિતની જરૂર હતી. દરમ્યાન ખુદ સીએમ વિજય રૂપાણીએ આ માટે મેયરપદના ઉમેદવાર તરીકે ધીરૂભાઈ ગોહિલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તેઓને વોર્ડ નં.પમાંથી ચુંટણી લડવા જણાવાયું છે. સીએમનાં આદેશબાદ અમેરીકા ગયેલાં ધીરૂભાઈ ગોહિલ પરત આવવા રવાના થઈ ચુકયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાં કયું પદ કોને આપવું ? તે અગાઉથી જ નક્કી હોય છે અને તેમાં મોવડી મંડળનો આદેશ સર્વોપરી હોય છે. આ અગાઉની ર૦૧૪ની ચુંટણી સમયે પણ ભાજપે મેયર પદ માટે જીતુભાઈ હિરપરાની પસંદગી થઈ ત્યારે તેઓ પણ અમરનાથની યાત્રા ઉપર હતાં. ત્યાં તેમને ફોન કરી જાણ કરવામાં આવી હતી. બાદમાં ર.પ વર્ષનો સમયગાળો પૂર્ણ થતા બાકીનાં ર.પ વર્ષ માટે મેયરપદ માટે પણ દાવેદારીનો રાફડો ફાટ્યો હતો. પરંતુ બધાનાં આશ્ચર્ય વચ્ચે આધ્યાશકિતબેન મજમુદારને મેયરપદે બેસાડી દીધા હતા. આમ મોવડી મંડળ મહત્વનાં આશ્ચર્યજનક નિર્ણયો પોતાની કક્ષાએથી લઈ લે છે. આ વખતની ચુંટણીમાં પણ ભાજપમાં ચાલતાં આંતરિક વિખવાદ, ભ્રષ્ટાચાર, કૌભાંડો વગેરેની અસર ન પડે તે માટે જનમાનસમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ધીરૂભાઈ ગોહિલને મેયરપદ માટે જાહેર કરી ભાજપે અડધી જીત તો મેળવી લીધી છે. તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહી ગણાય. ટુંકમાં ભાજપ હાઈ કમાન્ડે ડેમેઝ કન્ટ્રોલ માટે કરે તો આ પ્રયાસ તેના માટે મહત્વનો પુરવાર થશે. હાલમાં કેન્દ્રમાં અને રાજયમાં ભાજપનું શાસન હોય જૂનાગઢ મનપામાં ભાજપને પોતાનું શાસન ટકાવી રાખવું અત્યંત જરૂરી છે. જયારે વર્તમાન શાસકોમાંથી કોઈને મેયર પદનાં દાવેદાર જાહેર કરે તો ભડકો થવાની સંભાવના જણાતા ભાજપે બુદ્ધિપૂર્વકનો નિર્ણય લીધો છે. ભાજપે આ રીતે જંગ જીતવા મોટું હથિયાર વાપરી જાયું છે ત્યારે હવે કોંગ્રેસ શું કરે છે તે જાવું રહ્યું ? કોંગ્રેસમાં કયો ઉમેદવાર એવો છે કે જે સર્વમાન્ય હોય, નખશિખ સેવાભાવી નિર્વિવાહિત હોય તેની શોધખોળ ચાલી રહી છે. આમ ભાજપ-કોંગ્રેસ વચ્ચે આ વખતની મનપાની ચુંટણીમાં બરોબરનો જંગ જામશે. ત્યારે ભાજપે તો ડેમેઝ કન્ટ્રોલ કર્યું છે ત્યારે પ્રજા હવે શું કરે છે તે જોવાનું રહ્યું ? કલીનચિટવાળા જુના ઉમેદવારો અને ભાજપનાં કસાયેલા કાર્યકરોમાંથી નવા ઉમેદવારોની પસંદગી કરી આ વખતની ચુંટણી જીતવા રણનીતી બનાવી છે.

Leave A Reply