Wednesday, January 22

ધારાસભ્ય ભીખાભાઈ જોષીની આગેવાનીમાં કોંગ્રેસ જૂનાગઢમાં લડશે મનપાની ચૂંટણી

જૂનાગઢ મહા-નગરપાલિકાનો ચૂંટણી જંગ જીતવા કોંગ્રેસે પણ કમર કસી છે. દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો ડો. હેમાંગ વસાવડા, બ્રિજેશ મેરજા, એમ.કે.બ્લોચ, મહિલા કોંગ્રેસ મંત્રી કલ્પનાબેન જોષી વગેરેએ જૂનાગઢમાં ગઈકાલે કોંગ્રેસના દાવેદારોની સેન્સ લીધી હતી. સવારના ૧૦.૩૦થી ૧ વાગ્યા સુધી વોર્ડના ૧ થી ૭ દાવેદારોને સાંભળ્યા હતા. જયારે બપોરના ર.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી વોર્ડ નં. ૮ થી ૧પના દાવેદારોને સાંભળ્યા હતા. અંદાજે ૪૦૦ થી વધુ દાવેદારોએ કોંગ્રેસમાંથી લડવા માટેની તૈયારી બતાવી છે ત્યારે ૪૦૦ માંથી ૬૦ ઉમેદવારને પસંદ કરવાની કામગીરી કપરી બની જશે. દરમ્યાન ભાજપે મેયર પદના ઉમેદવાર તરીકે ધીરૂભાઈ ગોહિલને જાહેર કર્યા બાદ જૂનાગઢ સ્થાનિક કોંગ્રેસીઓએ પણ ધારાસભ્ય ભીખાભાઈ જોષીની આગેવાનીમાં મનપાની ચૂંટણી લડવા તૈયારી બતાવી છે. આમ, કોંગ્રેસમાંથી મેયર પદ માટે ધારાસભ્ય ભીખાભાઈ જોષીને પ્રમોટ કર્યા છે. જો કે આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે સ્થાનિક કોંગ્રેસીઓએ પોતાની લાગણી વ્યકત કરી ત્યારે પ્રદેશ નિરીક્ષકો આ લાગણી અને માંગણી કોંગ્રેસની પાર્લામેન્ટરી બોર્ડની કમિટી સુધી પહોંચાડશે અને બાદમાં ત્યાંથી નિર્ણય કરવામાં આવશે. જો કે ભાજપ સામે કોંગ્રસે પણ મેયર પદના મજબૂત દાવેદારને રજૂ કરતાં ભાજપ પણ હવે વધુ દોડધામ કરશે. તમામ દાવેદારોની સેન્સ લીધા બાદ હવે ૧ જુલાઈ પછી નામની જાહેરાત કરવામાં આવશે. પરંતુ આ વખતનીચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને માત્ર ફાઈટ જ નહીં આપે, જીતીને બતાવશે તેવો દ્રઢ વિશ્વાસ વિનુભાઈ અમીપરાએ વ્યકત કર્યો છે. દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ તો ભીખાભાઈ જોષીને મેયર પદના ઉમેદવાર ઘોષીત કરી દીધા છે પરંતુ ભીખાભાઈ જોષીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

Leave A Reply