Tuesday, July 16

કૌભાંડની વિડીયો ક્લિપ મામલે એસઓજીમાં ફરીયાદ નોંધાવાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા મહાકૌભાંડ પાલીકામાં ફેરવાઈ રહી છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ ન લાગે તેવા એક પછી એક મસમોટા કૌભાંડો જૂનાગઢ મનપામાં બહાર આવી રહ્યાં છે. દરમ્યાન વધુ એક કથિત કૌભાંડ અંગેની ક્લિપ વાયરલ થતાં જૂનાગઢ શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાઈરલ થયેલાં વિડીયો ક્લિપ અનુસાર જૂનાગઢ મનપાના એક મહિલા કોર્પોરેટરનાં પતિ અને અન્ય એક કોન્ટ્રાકટર વચ્ચે વાતચીત થાય છે વોટ્‌સએપમાં તેમાં ૮ કરોડનાં બિલને પાસ કરવા માટે પહેલાં ૧૦ ટકા રકમની માંગ કરાય છે અને બાદમાં ૪પ લાખમાં વહિવટ નક્કી થાય છે. આ વિડીયો ક્લિપ વાઈરલ થતાની સાથે જ જૂનાગઢ શહેરભરમાં આ વિડીયો ક્લિપ ઓફ ધી ટાઉન બની છે. દરમ્યાન આ અંગે જેમના નામ આવ્યા છે તે તમામ ભાજપનાં પદાધિકારીઓએ આ વિડીયો ક્લિપ ખોટી હોવાની કોઈએ ઉભી કરી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન જેમની સામે આક્ષેપો થયા છે તે જયાબેન ઝાલાનાં પતિ વિજયસિંહ ઝાલાએ ગઈકાલે એસઓજીમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સે તેમના ફોટો, નામનો દુરૂપ્રયોગ કરી મેસેજ વાઈરલ કર્યા છે. આગામી સમયમાં મનપાની ચુંટણી આવી રહી છે. ત્યારે આ મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટેનું આ રાજકીય ષડયંત્ર છે ત્યારે એસઓજી આ મામલે તટસ્થ અને ન્યાયીક તપાસ કરે અને જવાબદારો સામે આકરા પગલાં લે જેથી ફરી કોઈ આવી હિંમત ન કરે દરમ્યાન એસઓજી પીઆઈ જે.એમ.વાળાએ આ અંગે વિધિવત ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉપરાંત ભાજપ જૂનાગઢ શહેર એકમ દ્વારા પણ આવા ખોટા વાયરલ ફેક ન્યુઝ સામે આજે ફરીયાદ નોંધવા તૈયારી કરી રહયું છે.

તટસ્થ તપાસ કરવાની માંગણી

જૂનાગઢમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડની રોજ-બરોજ એક પછી એક કરતુતો બહાર આવી રહ્યાં છે કયારેક વોટ્‌સએપનાં મેસેજ તો કયારેક વિડીયો વાયરલ થતો હોય છે અને ભ્રષ્ટાચારનો મુદ્દો હાલ તો ટોક ઓફ ધી ટાઉન બનેલ છે. તેવા સંજાગોમાં આવા કૌભાંડોની તપાસનો મુદ્દો પણ મહત્વનો બન્યો છે. બિલ પાસ કરવા માટે ખાયકી માંગી હોવાનાં બનાવનાં વિડીયો વાયરલ થયા બાદ આ અંગે કોણ સચ્ચાં ? કોણ જુઠ્ઠાં ? કોણ સચ્ચા ? ની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ આવા વિડીયો વાયરલની સત્યતા કેટલી તે અંગે તપાસનો મુદ્દો બન્યો છે તો બીજી તરફ ભાજપ તથા કોંગ્રેસ દ્વારા પણ આવા બનાવોની તટસ્થ તપાસ કરવાની માંગણી ઉઠાવાય છે.

Leave A Reply