જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજની આવતીકાલે ભાવભેર ઉજવણી

જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સિમિતી દ્વારા અષાઢી બીજે ભગવાન રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢમાં અષાઢી બીજની પાવનકારી ૧૭ મીં જગન્નાથજીની રથયાત્રા આવતીકાલ ૪ જુલાઈને ગુરૂવારે બપોરના ૩ કલાકે જગન્નાથજી મંદિર, ગંધ્રપવાડાથી પ્રસ્થાન કરશે.
જગન્નનાથ રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત રથયાત્રા મહોત્સવનો પ્રારંભ બીજી જુલાઈ મંગળવારે રાત્રે હાટકેશ્વર મંદીરના પટાંગણમાં અમુદાનભાઈ ગઢવી તથા મુકુંદભાઈ સુચકના ભજન સંધ્યાના કાર્યક્રમથી શરૂ થયો છે. ત્યારબાદ આજે તા. ૩ ને બુધવારે વિષ્ણુયાગ યજ્ઞ, રાત્રે ૮ વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા તથા અષાઢી બીજ તા. ૪ જુલાઈને સવારે જગન્નાથજી, ભગવાનનું શાહી સ્નાન અને બપોરે ૩ વાગ્યે પહીંદવિધિ બાદ સાધુ સંતોની ઉપસ્થિતીમાં પ્રસ્થાન થનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નગરયાત્રાએ નીકળશે. રથયાત્રાના પરંપરાગત રૂટ ઉપર ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત અને શરબત ભાવિકોને અપાશે. રથયાત્રા દરમ્યાન ભાવિકોને મગ, સાકર, શિંગદાણાનો પ્રસાદ વિતરણ કરાશે. શોભાયાત્રાના સમાપન બાદ અષાઢીબીજની રાત્રે ૮ વાગ્યે હાટકેશ્વર મંદિર ખાતે મહાપ્રસાદનો લાભ ભાવિકોને મળશે. જૂનાગઢની રથયાત્રાનું દર્શન પૂણ્ય પુરીના જગન્નનાથ રથયાત્રાના દર્શન તુલ્ય ગણવામાં આવે છે. અહીં બિરાજમાન પ્રતિમાઓ પુરીની પ્રતિમાની કાષ્ટમાંથી જ બનાવાયેલ હોવાની માન્યતા છે. રથયાત્રા પૂર્વે ચાંદીની સાવરણીથી યોજાતી પહિંદ વિધિનો લાભ સાધુ સંતો, આમંત્રિતોને અપાય છે.
જૂનાગઢની રથયાત્રાનું પ્રસ્થાન રથ સાથે બાંધેલા દોરડાઓ ખેંચીને સાધુ, સંતો, ભાવિકો, મહાનુભાવો યાત્રાને પ્રસ્થાન કરવામાં નિમિત બનવામાં પૂણ્યનું ભાથું બાંધે છે. રથયાત્રા મંદિરેથી જૂનાગઢ શહેરના વિવિધ માર્ગોમાં ફરશે. આ તકે ભાવિકો દર્શન માટે નિકળે છે.
જૂનાગઢની આ રથયાત્રાને સફળ બનાવવા જગન્નાથ રથયાત્રા સમિતિના પ્રમુખ મોટા પીરબાવા તનસુખગીરીબાપુ, જનકભાઈ પુરોહિત, વિરેનભાઈ શાહ, નલાભાઈ કોટેચા, ભીખુભાઈ રાઠોડ, શૈલેષભાઈ પારેખ, મનસુખભાઈ વાજા, નવનીતભાઈ શાહ, પી.ટી. પરમાર, વિજયભાઈ કીકાણી, જે.એમ. ભટ્ટ, રાજેન્દ્રભાઈ ચુડાસમા, પ્રફુલભાઈ પોપટ અને ભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે. જગન્નનાથજીની રથયાત્રા અંતર્ગત યોજાનારા ત્રિદિવસીય મહોત્સવનો ધર્મ લાભ લેવા મહંત તનસુખગીરીબાપુ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

મજેવડી ખાતે અષાઢી પર્વની ઉજવણી
જૂનાગઢ તાલુકાનાં મજેવડી ગામે આવેલ દેવતણખીધામ ખાતે નીકળી અષાઢીબીજ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. લુહાર સમાજનાં કુલભૂષણ સંતશ્રી દેવતણખીદાદા અને પુત્રી લીરબાઈ માતાજીની ચેતન સમાધિ સ્થાન ખાતે પૂજન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે અને આ સાથે જ મહાપ્રસાદ સહિતનાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આયોજકો તરફથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સતાધાર ખાતે વિવિધ કાર્યક્રમો
જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર નજીક આવેલા પૂજય આપા ગીગા અને શામજીબાપુનાં દેવસ્થાન એવા સતાધારની જગ્યા ખાતે પૂજયશ્રી જીવરાજબાપુ અને વિજયબાપુનાં માર્ગદર્શન અને તેમની નિશ્રામાં અષાઢીબીજ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે અને સવારથી જ પૂજન-અર્ચન-આરતી તેમજ મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

નકલંકધામ તોરણીયા ખાતે બીજ મહોત્સવ ઉજવાશે
ધોરાજી તાલુકાનાં તોરણીયા ગામ નજીક આવેલ નકલંકધામ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે. મહંતશ્રી રાજેન્દ્રબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે અને મોટી સંખ્યામાં ભાવિકો નકલંકધામ ખાતે ઉમટી પડશે અને દર્શનનો લાભ લેશે. અષાઢીબીજ પર્વ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવશે અને આ વર્ષે પણ વિવિધ ધાર્મિક સ્થળોએ અષાઢીબીજ પર્વની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. તેમજ પૂજન-અર્ચન-આરતી-પ્રસાદ-રથયાત્રા સહિતનાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. બીજી તરફ પોલીસતંત્ર દ્વારા અષાઢીબીજ પર્વને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. દરમ્યાન ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે મહંતશ્રી ભીમબાપુની નિશ્રામાં અષાઢી બીજની શાનદાર ઉજવણી કરવામાં આવશે.

Leave A Reply