Tuesday, July 23

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનાં ધોરી નસ સમો અષાઢ મહિનો હડેડાટ કરતો ચાલ્યો જાય છે પરંતુ જોઈએ તેવો વરસાદ નહીં થતાં જગતનો તાત એવો ખેડુત ચિંતામાં મુકાય ગયો છે. ચોમાસાનાં આગમન ટાંકણે વર્ષા વિજ્ઞાન મંડળ તેમજ વરસાદ સંબંધિત આગાહી કરનારાઓએ દરવખતની જેમ આગાહીઓનો મારો ચલાવી રાખ્યો હતો. વરસાદ પડતો નથી એટલે આગાહીકારો પણ જાણે ચુપ બની ગયાં છે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી લઈને આજ દિવસ સુધી ઈશ્વરનું પ્લાનિંગ અપ ટુ ડેટ હોય અને ધાર્યું ધણીનું જ થાય…. ઈશ્વર આગળ કોઈની કારી ફાવતી નથી. આપણાં બાળકોનાં અભ્યાસથી માંડીને તમામ પ્રકારની ચિંતા આપણે એટલે કે માં-બાપ કરતાં હોય છે જ્યારે ઈશ્વર પાસે તો આખી પૃથ્વીનાં જીવ માત્ર બાળકો જ છે તો આપણા કરતાં વધારે ચિંતા તો ઈશ્વરને હોય છે એટલે કે ઈશ્વરનાં કામમાં ચચુંપાત ન કરીએ તે જ શ્રેષ્ઠ રહેશે. હવે વાત કરીએ વરસાદની તો વાયુ વાવાઝોડાનાં સંભવિત ખતરા સાથે ભીમ અગિયારસનાં દિવસે શુકનવંતી મેઘસવારી આવી પહોંચી હતી અને વિવિધ વિસ્તારોમાં ઓછેવત્તે અંશે વરસાદ થયો હતો. સરેરાશ ૧ થી ૬ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આજની સ્થિતીએ જૂનાગઢનાં ૯ તાલુકાની વાત કરીએ તો ચોમાસાનો ટોટલ વરસાદ આ વખતનો ૧૭પ૭ મીમી જેવો નોંધાયો છે. ત્યારે એની સામે એવરેજ ૧૭પ.૭૦ની છે. આમ વરસાદની જરૂરીયાત રહેલી છે. અષાઢ મહિનો એટલે ચોમાસાનો ભરપુર મહિનો કહેવાય, અષાઢી બીજનું પર્વ પણ સંપન્ન થયું છે વાવેતરનો વિકાસ થતો હોય ત્યારે વરસાદ જરૂરી હોય છે અને હવે ગણતરીનાં દિવસોમાં શ્રાવણ માસ પણ શરૂ થવાનો છે. શ્રાવણ માસનાં વરસાદ અંગે એવું કહેવામાં આવે છે કે શ્રાવણનાં સરવડા પડ્યાં જા આ ૧પ દિવસમાં વરસાદ સારો ન થાય તો પછી જય શ્રી રામ…. અને આપણા નસીબ….હાલ જે ચિત્ર સામે આવ્યું છે તેમાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભૂજ-કચ્છ સહિતનાં જીલ્લાઓમાં અને તાલુકાઓમાં નહીંવત વરસાદનાં પગલે ખેડુતો મુંઝવણમાં મુકાય ગયા છે. ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં તો સારો વરસાદ પડે છે. વાપી, વલસાડમાં આભ ફાટી પડે તેવો વરસાદ નોંધાયો છે. દરમ્યાન આ વર્ષે સારો વરસાદ થવાનો છે તેવી આશામાં ભીમ અગિયારસનાં દિવસે જ અનેક વિસ્તારોમાં થોડા વરસાદે પણ ખેડુતોએ વાવણી કાર્ય ઝટપટ આટોપી લીધું છે ત્યારે વરસાદ ખેંચાય રહ્યો છે અને કયારે પડશે તે નક્કી નથી તેવા સંજોગોમાં જગતનો તાત લમણે હાથ મુકી અને આકાશ સામે મીંટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે. ઠેર-ઠેર વરસાદની ચાતક નયને રાહ જોવાઈ રહી છે.

Leave A Reply