Tuesday, July 23

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ચુંટણી જંગનું આજે ચિત્ર સ્પષ્ટ થશે : ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ વચ્ચે જંગ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં ૧પ વોર્ડ અને ૬૦ બેઠક માટે અત્યાર સુધીમાં કુલ ર૮૮ ફોર્મ ભરાયા હતા. દરમ્યાન ગઈકાલે ફોર્મ ચકાસણી દરમ્યાન ૧૧૩ ફોર્મ વિવિધ કારણોસર રદ થયા હતા. જેનાં કારણે હવે ૧૭પ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. જો કે આજે (મંગળવારે) ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય કેટલાં ફોર્મ પરત ખેંચાય છે તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
મનપાની ચુંટણીમાં ૧ થી ૩ જુલાઈ સુધી ફોર્મ ભરવાનાં સમય હોય કુલ ર૮૮ લોકોએ ફોર્મ ભર્યા હતા. બાદમાં ગઈકાલે સોમવારે ૮ જુલાઈનાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૪ આરઓ અને ઓબ્ઝર્વરની દેખરેખ હેઠળ થયેલી કામગીરીમાં કુલ ૧૧૩ દાવેદારોનાં ફોર્મ વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યા હતાં. ફોર્મ રદ થવાનાં કારણોમાં ર થી વધુ સંતાનો હોય ચુંટણી લડી ન શકે તે કારણોસર ૧ ભાજપના અને ૧ એનસીપીનાં ઉમેદવાર મળી કુલ ર ઉમેદવારનાં ફોર્મ રદ થયા હતા. જયારે બસપાના તમામ ઉમેદવારોનાં ફોર્મ રદ થયા છે. બસપામાં કોઈ કારણોસર પાર્ટીએ મેન્ડેન્ટ ન આપતા તમામ ફોર્મ રદ થતા હવે મનપાની ચુંટણીમાંથી બહુજન સમાજ પાર્ટીની બાદબાકી થઈ ગઈ છે. હવે મનપાની ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષો, અમાન્ય રાજકીય પક્ષો, ભારતનો સામ્યવાદી પક્ષ (માકર્સવાદી) વગેરે હાલ મેદાનમાં રહ્યાં છે. જો કે હજુ આજનો દિવસ નિર્ણાયક ગણાશે. કારણ કે આજે ૯ જુલાઈ મંગળવારનાં રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોય કોણ-કોણ ફોર્મ પરત ખેંચી લે છે તેના બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વોર્ડ નં.૧માં ર૧માંથી ૬ રદ ૧પ માન્ય, વોર્ડ નં.રમાં ૧૪માંથી ૪ રદ ૧૦ માન્ય, વોર્ડ નં.૩માં ૮ માંથી ૧ રદ ૭ માન્ય, વોર્ડ નં.૪માં ૩૦ માંથી ૧૬ રદ ૧૪ માન્ય, વોર્ડ નં.પમાં ૧૩માંથી પ રદ ૮ માન્ય, વોર્ડ નં.૬માં ર૯માંથી ૧૧ રદ ૧૮ માન્ય, વોર્ડ નં.૭માં ૧૯માંથી ૪ રદ ૧પ માન્ય, વોર્ડ નં.૮માં ૧૮ માંથી ૬ રદ ૧ર માન્ય, વોર્ડ નં.૯માં ર૮ માંથી ૧પ રદ ૧ર માન્ય, વોર્ડ નં.૧૦માં ૧ર માંથી ૪ રદ ૮ માન્ય, વોર્ડ નં.૧૧માં ૧૭માંથી ૭ રદ ૧૦ માન્ય, વોર્ડ નં.૧રમાં ર૦માંથી પ રદ ૧પ માન્ય, વોર્ડ નં.૧૩માં ર૧માંથી ૧૦ રદ ૧૧ માન્ય, વોર્ડ નં.૧૪માં ૧પમાંથી ૭ રદ ૮ માન્ય અને વોર્ડ નં.૧પમાં ૧૩માંથી ૧૧ રદ ૧૧ ફોર્મ માન્ય રહ્યાં છે.

Leave A Reply