જૂનાગઢની માંકડીયા હોસ્પિટલને રૂ.રપ હજારનો દંડ ફટકારતાં કમિશ્નર

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા દ્વારા શહેરમાં નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીનો દૌર શરૂ કરેલ છે તેમજ જાહેરમાં કચરો નાંખનારાઓ સામે પણ શિક્ષાત્મક અને દંડનીય પગલાં ભરવામાં આવેલ છે. આજે જૂનાગઢની એક જાણીતી હોસ્પિટલને પણ નિયમોનાં ભંગ બદલ રૂ.રપ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે તેમજ જયશ્રી રોડ, ઝાંઝરડા રોડ સહિતનાં વિસ્તારોમાં જ્યાં-ત્યાં કચરો નાખનારાઓ સામે કાર્યવાહી કરી અને વધુ રૂ.પાંચ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે આમ આજે એક જ દિવસમાં રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તરીકે તાજેતરમાં જ નિમણુંક પામેલાં તુષાર સુમેરા દ્વારા શહેરમાં વિકાસ તેમજ ખાસ કરીને સ્વચ્છતાં અભિયાન ઉપરાંત લોકોની પ્રાથમિક જરૂરીયાતો શું છે ? તે જાણી અને લોકોની ફરીયાદો હલ કરવાની કામગીરીની સાથો સાથ મહાનગરપાલિકાનાં તમામ વોર્ડની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે અને જેને પગલે સવારે ૭ થી ૧૦ જે-તે વોર્ડમાં ફરે છે અને જ્યાં-જ્યાં જરૂરીયાત જણાય ત્યાં લોકોનાં પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરવામાં આવે છે તેમજ નિયમોનો ભંગ કરનારાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે આજે સવારે વોર્ડ નં.૧૧માં સરદારબાગ નજીક ઝાંસીની રાણીની પ્રતિમા પાસે આવેલ માંકડીયા હોસ્પિટલ ખાતે કમિશ્નરશ્રી દ્વારા જાતે ચેકીંગ કરવામાં આવેલ હતું અને જ્યાં બાયોમેડિકલ વેસ્ટનાં નિયમોનો ભંગ થતો જાવા મળ્યો હતો. ખાસ કરીને બાયો મેડિકલ વેસ્ટને અલગથી નાશ કરવાનો હોય છે તેને બદલે આ હોસ્પિટલમાં અન્ય કચરા સાથે જ બાયો મેડિકલ વેસ્ટને પણ સાથે રાખી દેવામાં આવેલ હતું જેને લઈને કમિશ્નરશ્રીએ તાત્કાલિક આ હોસ્પિટલને રૂ.રપ હજારનો દંડ ફટકાર્યો હતો. હોસ્પિટલનાં સંચાલકોએ કમિશ્નરની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને ફરીવાર આવું નહીં થાય તે માટેની ખાતરી પણ આપી હતી. શરતચુકથી કોઈ દ્વારા બાયો મેડિકલ વેસ્ટને કચરા સાથે ભેળવી દેવામાં આવ્યું હોવાની ભુલનો સ્વીકાર પણ કર્યો હતો. દરમ્યાન કમિશ્નરશ્રી દ્વારા જયશ્રી રોડ તેમજ ઝાંઝરડા રોડ વિસ્તારમાં પણ મુલાકાત લીધી હતી અને જ્યાં જ્યાં જાહેરમાં કચરો કે ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ કેટલાંક લોકો સામે દંડનીય કાર્યવાહી કરી અને રૂ.પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. આમ એક જ દિવસમાં રૂ.૩૦ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૮માં હેલ્થ બાયોલોજીનો નિયમ જાહેર થયો હતો અને ૧ વર્ષ અને ૬ મહિનામાં જૂનાગઢ મહાનગરપાલિકાએ રૂ.૩૦ હજારનો દંડ વસુલ કર્યો હતો. તેની સરખામણીમાં નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ આજે એક જ દિવસમાં રૂ.૩૦ હજારનો દંડ વસુલ્યો છે વિશેષમાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે લોકોનાં પ્રશ્નોને જાણી અને તેઓનાં પ્રશ્નોનો ઝડપી ઉકેલ થાય તે માટેનાં પ્રયાસો રહેશે. તેમજ આ શહેરની જનતાને વધુને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે મનપા તંત્ર કટિબધ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

Leave A Reply