Tuesday, July 23

ચૂંટણી પ્રચાર આડે માત્ર ૧૦ દિવસ બાકી રહ્યા

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ર૧ જુલાઈના રોજ મતદાન થવાનું છે. મતદાનના ર૪ કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત કરી દેવાના હોય છે ત્યારે ૧૯ જુલાઈએ સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ઉમેદવારોમાં પ્રચાર માટે ગણત્રીના જ દિવસ બાકી રહેતાં ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી  સર્જાઈ છે. આ વખતની મનપાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ બંન્ને રાજકીય પક્ષો માટે પડકારરૂપ બની છે. સાથો સાથ પ્રતિષ્ઠાનો પણ સવાલ બની છે. જૂનાગઢમાં ભાજપને સત્તા ટકાવી રાખવી છે આ માટે તેઓ શામ, દામ, દંડ અને ભેદ સહિતના હથગંડા અપનાવી રહેલ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ ઉમેદવારોને વોર્ડનું નવું સિમાંકન નડી રહયું છે. ઉમેદવાર હુક ઓર કુક ગમે તે રીતે સત્તા પ્રાપ્ત કરવી એ એક જ ભાજપનું લક્ષ્યાંક છે જયારે કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ. કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો હવે એક માત્ર સ્થળ રહ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકા. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી જાય તો તેનું અસ્તિત્વ જળવાઈ રહેશે અન્યથા અસ્તિત્વ ભૂંસાઈ જશે તેવી પણ રાજકીય પંડિતોમાં ચર્ચા થઈ રહી છે. આમ કોંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટે મરણીયા પ્રયાસ કરી રહેલ છે.  કોંગ્રેસ માટે સહુથી મોટો પડકાર આંતરિક વિખવાદ છે. કોંગ્રેસના બે ગૃપ એકબીજાના કટ્ટર છે. કમસે કમ ચૂંટણીના સમય પુરતું સમાધાન કરી લીધું હોત તો આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે જીતની તક હતી. પરંતુ કમનસીબે કોંગ્રેસનો કકળાટ શમવાનું નામ લેતો નથી પરિણામે હોઠ સુધી આવેલો કોંગ્રેસનો જીતનો પ્યાલો ભાજપ ઝૂંટવી જાય તો પણ નવાઈ નહીં. જોકે આખરે તો હુકમનું પાનું (મત) પ્રજાના હાથમાં છે. પ્રજાનો મિજાજ કેવો છે તેના ઉપર બધો આધાર રહ્યો છે. જૂનાગઢનો રાજકીય ઈતિહાસ જોતાં પ્રજા પુનરાવર્તન કરતા પરિવર્તન જ કરે છે તે જોવાનું રહેશે. સૌ પ્રથમ જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન હતું, પાંચ વર્ષ બાદ પ્રજાએ કોંગ્રેસને સત્તાનું સિંહાસન સોંપ્યું, બાદમાં પાંચ વર્ષ ફરી મતદારોએ કરવટ બદલી અને ભાજપને સત્તા ઉપર બેસાડી. આમ પ્રજાજનો પુનરાવર્તનના બદલે પરિવર્તન જ પસંદ કરે છે ત્યારે જો કોંગ્રેસ પ્રજા સુધી ભાજપના કૌભાંડ પહોંચાડે તો તેના માટે જીતની સોનેરી તક છે ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ આ તક ઝડપી લેવામાં સફળ થાય છે કે નિષ્ફળ જાય છે. તેમજ જૂનાગઢનાં રાજકારણમાં એનસીપી પક્ષે ગુજરાતનાં પ્રથમ કોર્પોરેશનથી ઉમેદવારો ઉભા રાખવાની નિતી કેટલી સફળ થશે તે ચુંટણીનાં પરીણામો પછી બહાર આવશે. અપક્ષો કયા પક્ષનાં મતો તોડી શકે છે અથવા કરીશ્માથી કેટલા અપક્ષ ઉમેદવારો સફળ થશે તે પણ જોવાનું રહેશે.

Leave A Reply