Tuesday, July 23

હે કૃષ્ણ… જૂનાગઢના મતદારોને સારથી બની બતાવો સત્યનો માર્ગ

જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી તા.ર૧ જુલાઈ ર૦૧૯ ના રોજ યોજાનારી ચૂંટણી અંગે મહાસંગ્રામ જામ્યો છે. સત્તાધીશ ભાજપ પાર્ટીને ફરી એકવાર મનપાનું શાસન કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જ્યારે કોંગ્રેસને શાસન કબજે કરવાની હોશ છે પ્રજાએ ભાજપ અને કોંગ્રેસના શાસનોના ગણિત અનુભવી લીધા છે તેવા સંજોગોમાં એનસીપીના ઉમેદવારો માટે પણ જીત માટેના ઉજળા સંજોગો રહેલા છે. આ સાથે જ કોઈ કોઈ બેઠક ઉપર અપક્ષો પણ બાજી મારી જાય તેવું પણ ચર્ચાઈ છે. મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસને સૌથી વધારે ખતરો એનસીપી, અપક્ષ પક્ષના ઉમેદવારોનો છે. આ ઉપરાંત નવા ફ્રેશ ઉમેદવારો પણ પ્રજાના આવકારનું કારણ બન્યા છે. આમ કહેવાય છે કે, જૂનાગઢનું મહાનગરપાલિકા ગુજરાતના આઠ મહાનગરપાલિકા પૈકીનું નાનકડું બચ્ચું છે પરંતુ મહાનગરપાલિકાના ચૂંટણી સંગ્રામ સમયે જૂનાગઢમાંથી ઉઠેલો નાદ ગાંધીનગર સુધી ધણધણાવી જાય છે. ચૂંટણીમાં લડનારા ઉમેદવારો રાજકીય પક્ષો દ્વારા હાલ પ્રચાર તંત્ર પુર જોશથી ચાલી રહ્યું છે અને દરેક પક્ષના ઉમેદવારોના જીતના દાવાઓ મંડાઈ રહ્યા છે. બીજી તરફ જેની ઉપર સૌથી વધારે મદાર છે તેવા મતદારો ચૂંટણી સમયે અકળ મૌન સેવી રહ્યા છે જો કે દર વખતની જેમ આ વખતે પણ મતદાન પણ કરશે પરંતુ આ જૂનાગઢ શહેરની એક ખાસીયત છે કે, નવા સમીકરણ રચવા તે મતદારોનો મીજાજ છે. ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવારોને તો કેટલાય વિસ્તારોમાંથી મતદારોના રોષનો ભોગ પણ બનવું પડે છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પરિણામ વિપરીત આવે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જેમ મહાભારતના યુધ્ધ વખતે કુરૂક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ સારથી બની અને અર્જુનને સત્યનો માર્ગ બતાવ્યો હતો બરોબર એવી જ મનોવ્યથા હાલ મતદારો અનુભવી રહ્યા છે અને મનોમન ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યા છે કે, અર્જુનને જેમ સત્યનો માર્ગ બતાવ્યો હતો તેમ અમને પણ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે યોગ્ય અને સત્યનો માર્ગ બતાવો હે કેશવ… તેવો જનતામાંથી નાદ ઉઠ્યો છે. એક એવી થિયરી એક એનજીઓ દ્વારા છુપા રાહે મતદારો સમક્ષ ચળવળ ચલાવાઈ રહી છે કે માત્ર મહિલા મતદારોને જ ચુંટવા. મહિલા ચુંટાશે તો ભ્રષ્ટાચાર, ગેરરીતી કરશે નહીં અને કરવા દેશે નહીં. ૧ થી ૧પ વોર્ડમાં રહેલી મહિલા મતદારો જ ચુંટવી જોઈએ જેથી સર્વે પક્ષને સબક મળે કે ભ્રષ્ટાચારનો ભોરીંગ કેટલો મોટો હતો. તેવી ચળવળ ઉભી થઈ છે તેવું ચુંટણીના વોર્ડોમાંથી લોકોની ચર્ચામાંથી બહાર આવ્યું છે.

Leave A Reply