Thursday, August 22

જૂનાગઢ મહાનગરપાલિકા ચુંટણી સંગ્રામ : રાજકીય પક્ષો વચ્ચે કાર્યાલય ખોલવાની જાણે હોડ જામી

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ અને એનસીપી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલમાં પ્રચાર યુધ્ધ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. લોકોને ભપકાદાર આયોજન દ્વારા આંજી દઈ મત મેળવવા દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે પ્રચાર આડે ગણતરીના દિવસો બાકી રહેતાં શહેરમાં ઠેર ઠેર કાર્યાલય ખોલવાની જાણે હોડ જામી છે. જૂનાગઢમાં વિવિધ વોર્ડમાં પ્રચાર કાર્યને વેગવાન બનાવવા ભાજપ દ્વારા દરેક વોર્ડમાં ત્રણ કાર્યાલય ખોલવાનું મિનીમમ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુમાં વધુ કાર્યાલય ખોલી કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર કાર્યને વધુ તેજ બનાવાઈ રહ્યું છે. ભાજપની જેમ જ એનસીપી એ પણ પ્રચારકાર્યને તેજ બનાવી ભાજપથી એક ડગલું આગળ વધી વોર્ડ દિઠ ૪ કાર્યાલય ખોલવાનું જણાવ્યું છે તો કોંગ્રેસ પણ વોર્ડ દિઠ ત્રણ કાર્યાલય ખોલવાનું જણાવ્યું છે. જ્યારે વિપક્ષી નેતા સતીષચંદ્ર વિરડાએ પોતાના વોર્ડ નં.૧પમાં રર (બાવીસ) કાર્યાલય ખોલવા તૈયારી કરી છે. આમ ત્રણેય પક્ષો લોકોને પોતાની તરફ આકર્ષિત કરી મત મેળવવા માટે કાર્યાલય ખોલી તેમના દ્વારા લોક સંપર્ક વધારી રહ્યા છે. દરમ્યાન કાર્યાલય ખોલવા ઉપરાંત મિટીંગો, ભોજન સમારંભો, બાઈક રેલી મોટા વાહનો સાથે પ્રચારકાર્ય વધુ તેજ બનાવાઈ રહ્યું છે. ભાજપ દ્વારા જીતવા માટે જ્ઞાતિની બેઠકો કરવામાં આવી રહી છે તેમજ બાદમાં ભોજન સમારંભો પણ કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન રવિવારે ભાજપ દ્વારા બાઈક રેલી પણ યોજવામાં આવનાર છે. ભાજપના વોર્ડ નં.૯ના ઉમેદવાર અને મેયર પદના દાવેદાર ધીરૂભાઈ ગોહેલ અને તેના સાથી કોર્પોરેટરના સમર્થનમાં આ બાઈક રેલી યોજાનાર છે.
કામદાર સોસાયટીથી રવિવારના સાંજના ૪ વાગ્યાથી બાઈક રેલી નિકળશે જે વિવિધ વિતારોમાં ફરી ભવનાથ સુધી યોજાશે. જ્યારે એનસીપીના રેશ્મા પટેલ પણ રથ લઈને પ્રચાર માટે નિકળી ગયા છે અને જન સંપર્ક શરૂ કરી દીધા છે. આમ અંતિમ દિવસોમાં દરેક રાજકીય પક્ષો પ્રજાને પોતાના તરફ આકર્ષિત કરી મત મેળવવા માટે ભરપુર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ પ્રયાસમાં કોણ કેટલું સફળ થાય છે તે તો તા.ર૩ જુલાઈએ પરિણામ આવશે ત્યારે જાણવા મળશે.

Leave A Reply