Saturday, October 19

જૂનાગઢ મહાનગરપાલિકાનો રણસંગ્રામ ચરમસીમાએ : ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો

જૂનાગઢ મનપાની આગામી તા. ર૧ જુલાઈનાં રોજ યોજાનારી ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીને ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા હોટેલ ઈન્દ્રલોક ખાતે એક પત્રકાર પરીષદ યોજી જૂનાગઢની જનતાને આગામી પાંચ વર્ષમાં કેવી સુવિધા આપવામાં આવશે અને લોકોનાં પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને કેટલું સુખ આપવામાં આવશે તે અંગેની કટીબધ્ધતા જાહેર કરવા માટે મેનીફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવેલ હતો જેમાં દર વખતની જેમ બને છે તેમ ભાજપે છુટ્ટા હાથે વચનોની લ્હાણી કરી છે. આજે યોજાયેલી પત્રકાર પરીષદમાં ગુજરાત પ્રદેશ ભાજપનાં અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા, નિતીનભાઈ ભારદ્વાજ, પ્રશાંતભાઈ, પૂર્વ મેયર, પૂર્વર ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદિપભાઈ ખીમાણી, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી, મેયરપદનાં ઉમેદવાર ધીરૂભાઈ ગોહેલ, ભરતભાઈ શીંગાળા તેમજ મીડીયા ઈન્ચાર્જ કલ્પેશ અવાશીયા, મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાં ભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચંદ્રેશભાઈ હેરમાએ ઉપસ્થિત પત્રકાર મિત્રોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આ તકે ખાસ ઉપસ્થિત રહેલા ગોરધનભાઈ ઝડફીયા અને મહાનુભાવોએ ભાજપનાં સંકલ્પપત્રને જારી કર્યો હતો. પ્રાસંગીક પ્રવચનમાં ગોરધનભાઈ ઝડફીયાએ જૂનાગઢમાં મહાનગરપાલિકાનાં શાસનમાં ભાજપની ભૂમિકા અને સત્તા સ્થાને બેઠેલા ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કામો અંગેનો ઉલ્લેખ અને માહિતી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીને શાસનની ધુરા સોંપવાથી આગામી પાંચ વર્ષમાં કેવા વિકાસનાં કામો કરવામાં આવનાર છે તે અંગેનો ગોરધનભાઈ ઝડફીયાએ આપ્યો હતો જે અત્રે પ્રસ્તુત કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ શહેરને વિકાસનો ગ્લેપ ચડાવવા માટેની જે વિકાસની યાત્રા રજુ કરવામાં આવેલ તે ઉપર એક દ્રષ્ટીપાત કરીએ તો…

• જૂનાગઢને પ્રવાસન અને તીર્થનગરી તરીકે વિકસાવી વેપારીઓને રોજી-રોટી મળે રહે તેવા પ્રયત્નો કરીશું.
• ગિરનાર રોપ-વે યોજનાનું કામ ર૦૧૯નાં વર્ષ દરમ્યાન પુર્ણ થશે અને રોપ-વે કાર્યાન્વિત થશે. તેનાં કારણે જૂનાગઢમાં આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ખુબ જ વધારો થશે અને જૂનાગઢને વિકાસનો વેગ મળશે.
• સુવિખ્યાત એવા નરસિંહ મહેતા સરોવરની ચોતરફ રીંગરોડનું નિર્માણ તથા બ્યુટીફિકેશન કરવામાં આવશે અને અમદાવાદનાં કાંકરીયા સરોવર જેવી જ સુવિધાઓ પ્રાપ્ય બનશે.
• નવાં વિકસતાં વિસ્તારોમાં ટીપી સ્ક્રીમની અમલવારી કરવામાં આવશે.
• શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ જાષીપરા ઓવરબ્રિજ બનાવવાની તથા જૂનાગઢને ફાટક મુકત શહેર બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
• શહેરનાં ઉપનગર સમા દોલતપરા, ઝાંઝરડા તથા ઝાંઝરડા રોડ, જોષીપરા, ટીંબાવાડી જેવા વિસ્તારોમાં ગાર્ડન તથા હાઈમાસ્ક ટાવર લગાવવામાં આવશે.
• ઐતિહાસીક સ્મારકોની જાળવણી તથા તેનાં વિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવશે.
• રસ્તાની સફાઈ, ભુગર્ભ ગટર અને હાલની ગટરોની સફાઈ માટે આધુનિક મશીનરી વસાવવામાં આવશે.
• શહેરનાં સાંકડા રસ્તાને પહોળા કરી ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં આવશે.
• ડિવાઈડરને સુરક્ષિત કરી આધુનિક બનાવાશે.
• શહેરમાં મહત્તમ વિસ્તારોમાં મહિલોઓ માટે વોશરૂમ બનાવવામાં આવશે.
• ભવનાથમાં આવેલ ઐતિહાસિક સુદર્શન તળાવનું નવિનીકરણ કરવામાં આવશે.
• ઝાંઝરડા તળાવને વિકસાવી ટુરિસ્ટ સ્પોર્ટસ બનાવાશે.
• લોકોની ફરીયાદોનાં ઉકેલ માટે આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગથી ફરીયાદ નિવારણ કરવામાં આવશે.
• જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતાં કાળવાનાં વોંકળાને સ્વચ્છ રાખવા વરસાદી પાણીનાં નિકાલ માટે ગટરની અલગ લાઈનો નંખાશે.
• શહેરનાં જે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા નથી લાગ્યા ત્યાં સીસીટીવી કેમેરા લગાવી જૂનાગઢ વાસીઓને વધુ સુરક્ષીત કરાશે.
• વપરાયેલ પાણીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા નિકાલ કરાશે.
• સુવિધાપુર્ણ નવી શાકભાજી માર્કેટ બનાવાશે, સિનીયર સિટીઝન પાર્ક બનાવાશે.
• ચોક્કસ વિસ્તારોમાં વેપારીઓની માંગણીને ધ્યાને લઈ રાત્રી બજાર શરૂ કરાશે.
• નરસિંહ મહેતાનાં ચોરાનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.
• ટીંબાવાડી વિસ્તારમાં નવું પીએચસી સેન્ટર પ્રજા સમક્ષ ખુલ્લુ મુકાશે.
• શહેરમાં નવા વિકસીત વિસ્તારોમાં ટાઉનહોલ બનાવાશે.
• ઘર-વિહોણા લોકો માટે ઘરની સુવિધા પુરી પડાશે.
• સરકાર સમક્ષ રજુઆત કરીને આગામી સમયમાં ઉનાળામાં પણ પાણીની તંગી ન પડે તે માટે આયોજન કરાશે.
• વિવેકાનંદ ગ્રાઉન્ડને રણજીટ્રોફી કક્ષાની મેચો રમાય તે રીતે ટર્ફ વિકેટ, પેવેલીયન સુવિધાથી સજ્જ કરાશે.
• દેશભરમાંથી આવતાં પ્રવાસીઓ માટે જૂનાગઢનાં જંગલમાં જ સિંહદર્શનની સુવિધા પ્રાપ્ત થશે જેને કારણે રોજગારીની તકો વધશે.
• ઉપરકોટનું નવીનીકરણ કરીને પ્રવાસીઓની સુવિધાઓ વધારાશે સરકાર સાથે સહયોગ કરીને કરોડોના ખર્ચે માસ્ટર પ્લાન બનાવી વિકાસ કરાશે.
• વિલિંગ્ડન ડેમ અને ત્યાંનાં બગીચાને વધુ સુરક્ષિત બનાવી લોકભાગ્ય બનાવાશે.
• ઉપરકોટમાં આવેલ બોધ્ધ ગુફાઓ, અશોક શિલાલેખ, ખાપરા કોડીયાના ભોંયરા, બાવા પ્યારેનાં ભોંયરાઓની જગ્યાઓને વધુ સુવિધાયુકત બનાવવા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સાથે ચર્ચા કરી તેનો વિકાસ કરાશે જેનાથી વિદેશનાં લાખો યાત્રિકો આકર્ષાશે. જેનાથી રોજગારીની તકો વધશે.
• બાયપાસ રોડને લાઈટીંગ, સર્કલોથી વધુ સારી રીતે સુશોભીત કરાશે.
• ઝાંઝરડા રોડ ઉપર વધુ સુવિધાયુકત ફાયર સ્ટેશન બનાવાશે.
• વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દી માટે શહેરમાં ઈ-લાયબ્રેરી શરૂ કરવામાં આવશે.
• શહેરનાં ઐતિહાસીક પર્યટન તથા ધાર્મિક સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવશે.

Leave A Reply