Saturday, October 19

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી : ભવનાથ તિર્થક્ષેત્ર ભાવિકોથી ઉભરાયું

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અષાઢ સુદ પૂનમ, ગુરૂપૂર્ણિમાં ઉત્સવની ભકિતભાવ પૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક આશ્રમો અને ધાર્મીક સ્થળોએ અનેક વિવિધ કાર્યક્રમોનું ગુરૂપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જ ઠેર ઠેર સમુહ પ્રસાદ ભોજનના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવેલ છે. શિષ્ય સમુદાય દ્વારા ગુરૂની વંદના આ અવસરે સવારથી જ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.
હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂને ઉચ્ચકોટીનો દરજજો એટલે કે, ભગવાન સ્વરૂપ ગણવામાં આવે છે અને એટલે જ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરનાર પરમકૃપાળુ પરમાત્મા, યુગ પુરૂષ કે માનવી કોઈપણને ગુરૂ ધારણ કરવા જ પડે છે અને ગુરૂ દ્વારા જ સાચી દિશાનું માર્ગદર્શન પ્રાપ્ત થતા ભવસાગર પાર ઉતરી જવાય છે અને એટલે જ તો કહેવાય છે કે, ‘‘ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલીહારી ગુરૂદેવકી ગોવિંદ દિયો બતાય’’ આ પંક્તિમાં ગુરૂના મહત્વ અંગે અનોખી વાત રજૂ કરી છે. આજનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમાનો અવસર છે. ગુરૂપૂર્ણીમાં પ્રસંગે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્ર કે જયા ભગવાન ગુરૂદત્ત અને ગુરૂ ગોરખનાથ ૯ નાથ અને બાવનવીર ચોસઠ જાગણી જયાં બિરાજમાન છે ત્યાં સંતો દ્વારા ગુરૂપૂજન કરવામાં આવેલ છે જયારે જ્યારે જૂનાગઢ શહેરમાં તથા ભવનાથ ક્ષેત્રમાં આવેલા વિવિધ ધાર્મીક સ્થળો-આશ્રમોમાં પણ આજે ગુરૂ વંદનાના કાર્યક્રમો, સમુહપ્રસાદ ભોજનનું તથા ગુરૂપુજનનું તથા ગુરૂપાદુકાના પુજનનું આયોજન કરવામાં આવેલ છે.
ભવનાથ ખાતે આવેલા સુપ્રસિદ્ધ લંબે હનુમાનજીની જગ્યા ખાતે મહંતશ્રીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી જ વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં શિષ્ય સમુદાય દ્વારા પૂજન વિધિ સહીતના કાર્યક્રમો યોજાયેલ છે. મહા આરતી અને પ્રસાદ ભોજન તથા ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાયેલ છે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મીક સ્થળોમાં પણ બિરાજમાન સંતોનું ભકત સમુદાય દ્વારા પૂજન વિધિ સહીતના કાર્યક્રમો યોજાઈ રહેલ છે. ભવનાથ ક્ષેત્રનાં આશ્રમોમાં ગુરૂપૂજન માટે ભાવિકોથી ઉભરાયું છે. આજે ભકિતભર્યા માહોલ વચ્ચે ઠેર-ઠેર ગુરૂ પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત બિલખા નજીક આવેલ પૂજય પાદ નથુરામ શર્મા સ્થાપીત આનંદ આશ્રમ ખાતે પણ ગુરૂપૂર્ણિમા ઉત્સવની ભાવ સભર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ પૂજન અર્ચન, આરતી, મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આજે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવિકો ગુરૂ ભકિતમાં લીન બની ગયા છે અને દિવસભર યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો આસ્થાભેર ભાગ લઈ રહેલ છે.

Leave A Reply