ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર, ગુંડાગીરી, ભયને પ્રજા સમક્ષ મુકતી કોંગ્રેસ

જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લે છેલ્લે કોંગ્રેસે જોરદાર સભા કરી ભાજપના શાસન દરમ્યાન થયેલા ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને ભયને પ્રજા સમક્ષ મુકી જો સ્વચ્છ, સુશાસન, ભ્રષ્ટાચાર મુકત શાસન જોઈતું હોય તો કોંગ્રેસને મત આપી ચૂંટી કાઢવા હાંકલ કરી હતી.
જૂનાગઢ શહેરના શિવમ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસની જાહેરસભા યોજાઈ હતી. આ સભાને સંબોધિત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું તું કે, ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન જોઈતું હોય તો કોંગ્રેસને ચૂંટી કાઢજો. એક દિવસનો સમય આપશો તો કોંગ્રેસ પાંચ વર્ષ સુશાસન આપશે. ૧૩૦૦ ગાયો ગુમ થઈ ગઈ ત્યારે કયાં હતી હિન્દુવાદી સરકાર ? બે નવા ટાઉનહોલ બની જાય તેટલી કિંમત તો રીપેરીંગમાં નાંખી છતાં ટાઉનહોલમાં હલકી ગુણવત્તાનું કામ કરી ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે આવા કુશાસનને બદલે સુશાસન લાવવાની તક તમને સાંપડી છે તે ઝડપી લેજો. કોંગ્રેસના ભંગાણ વિષે જણાવ્યું હતું કે, ભાજપે સત્તાનો, સરકારી તંત્રનો, પોલીસ તંત્રનો દુરૂપયોગ કર્યો છે.
બુટલેગરો, ગુનેગારો દ્વારા ધાકધમકી આપી દબાણ લાવી ફોર્મ પાછા ખેંચાવ્યા છે જ્યારે કેટલાકને લાલચ આપી ભાજપમાં ભેળવી લીધા છે. આમ હાર ભાળી ગયેલી ભાજપે, ઉમેદવારો, કાર્યકરોને ડરાવી, ધમકાવી કોંગ્રેસમાંથી ભાજપમાં ભેળવ્યા છે. પોલીસ ફરીયાદ શા માટે ન કરી એવા પ્રશ્નના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર પણ એમનું જ છે. જૂનાગઢમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે અને લોકશાહી ભયમાં છે ત્યારે કોંગ્રેસ લોકશાહીની રક્ષા અને પ્રજાની રક્ષા માટે લડે છે.
સભાને કાર્તિક ઠાકર, અમિત પટેલ, બાબુભાઈ વાજા, મનીષા દવે, વિમલ ચુડાસમા, હર્ષદ રિબડીયા, પુંજાભાઈ વંશ, ગાયત્રીબા વગેરેએ સંબોધન કર્યું હતું અને ભાજપના ગૌશાળા, ટાઉન હોલ, કચરા, વાહન ખરીદી, ભંગાર વેંચાણ-હરરાજી, ભવનાથ કુંભ મેળામાં કૌભાંડ મુદ્દે ભારે તડાપીટ બોલાવી હતી. જો કોંગ્રેસે આ બધા મુદ્દાને લઈ દરેક વોર્ડમાં ૩-૩ કે તેથી વધુ મળી પ૦ સભા કરી હોત અને કૌભાંડને જનતા સુધી પહોંચાડયું હોત તો કોંગ્રેસની જીત નક્કી હતી. સભામાં ૮૦૦૦થી વધુ લોકો ઉમટી પડતાં શિવમ પાર્ટી પ્લોટનું ગ્રાઉન્ડ ટુંકું પડયું હતું. ખુરશી ખુટી જતાં લોકોએ નીચે બેસીને તો કેટલાકે ઉભા રહી સભા સાંભળી હતી.

Leave A Reply