Saturday, October 19

ર.૩૮ લાખ મતદારોની આંગળી નક્કી કરશે ૧પ૯ ઉમેદવારોનું ભાવિ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગણત્રીના કલાકો જ મતદાન પ્રક્રિયા આડે બાકી છે ત્યારે ચૂંટણી પંચ, પોલીસ તંત્ર, ઉમેદવારો અને જૂનાગઢના મતદારો પણ સજ્જ થઈ ગયા છે. રવિવારે (આવતીકાલે) વહેલી સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થવાનું છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનાર ૧પ૯ ઉમેદવારોનું ભાવિ ર.૩૮ લાખ મતદારોની આંગળી નક્કી કરશે. જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે. પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જયારે ચૂંટણી પંચે પણ તમામ તૈયારી આટોપી લીધી છે. અત્યાર સુધી સ્ટ્રોન્ગ રૂમમાં કેદ રહેલા ઈ.વી.એમ. આજે બપોરના ૧ર વાગ્યાથી જે તે મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં કુલ ૪ સ્થળોએ રાખેલા ઈ.વી.એમ. મશીનો આજે મતદાન મથકો સુધી પહોંચી જશે. જયારે રવિવારે (આવતીકાલે) પ્રજાજનો પોતાના શહેરના સુશાસન માટેનો ચહેરો પસંદ કરી તેને મત આપશે. જૂનાગઢ શહેરના ર૯૬ મતદાન મથકો ઉપર ર.૩૮ લાખથી વધુ મહિલા-પુરૂષો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જયારે ર૩ જુલાઈએ ખુલ જા સીમ સીમની જેમ મતોનો પટારો ખુલશે, મતલબ મત ગણતરી થશે. ત્યારબાદ જૂનાગઢમાં કોનું શાસન આવે છે તે નક્કી થશે. દરેક રાજકીય પક્ષ પોતાની જીતના દાવા તો રજૂ કરે છે પરંતુ પ્રજાના મિજાજને પારખવો મુશ્કેલ છે. જૂનાગઢમાં કયારેય મનપામાં શાસન રિપીટ થયું નથી. જનતાએ સતત બદલાવ આપ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને ભાજપ બાદ હવે ફરી આવેલી ચૂંટણીમાં જૂનાગઢની જનતાની શાસન પરિવર્તનની પરંપરા જળવાઈ રહે છે કે પુનરાવર્તન કરી પરંપરા તોડે છે તે તા. ર૩ જુલાઈ બપોર સુધીમાં જાણવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને એનસીપી તેમજ અપક્ષો મળી ૧પ૯ ઉમેદવારોનું ભાવિ રવિવારે સાંજ સુધીમાં ઈ.વી.એમ.ના પટારામાં કેદ જશે અને ર૩ જુલાઈ મંગળવારે પટારો ખુલતાં ભાવિ પણ ખુલ્લું થશે ત્યારે જનતાએ કોને મત આપ્યા અને કોને માત (હાર) આપી તે નક્કી થઈ જશે.

Leave A Reply