મેઘરાજા વરસ્યા પરંતુ મતદારો ન વરસ્યા : માત્ર ૪૯.૬૮ ટકા મતદાન

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે મતદાનનાં દિવસે જ વ્હેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી. આમ મેઘરાજા વરસી પડ્યાં હતાં. પરંતુ મતદારો જોઈએ તેવા વરસ્યા ન હતા. ત્રણેય રાજકીયપક્ષો એ પ્રચાર જોરશોરથી કર્યો હતો. જેમાં સૌથી વધુ બીજેપીએ ઝાકમઝોળવાળો પ્રચાર કર્યો હતો. રાજકીય લોકોનાં પ્રચાર સાથે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં માર્ગદર્શનમાં તંત્રએ પણ મતદાન વધે તેવા ભરપુર પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પ્રજામાં જે છુપો રોષ હતો તેની અસર મતદાન પ્રક્રિયા ઉપર પડી અને માત્ર સરેરાશ મતદાન ૪૯.૬૮ ટકા જેવું મતદાન નોંધાયું છે. આ ૪૯.૬૮ જેવું ઓછું મતદાન થતા દરેક રાજકીય પક્ષો માથું ખંજવાળી રહ્યાં છે કે આ ઓછા મતદાનથી કોને ફાયદો થશે અને કોને નુકશાન ? આ વખતની ચુંટણીમાં થયેલું મતદાન જૂનાગઢ કોર્પોરેશનનાં ઈતિહાસમાં સૌથી ઓછું મતદાન છે. ર૦૦૯માં પ૬.ર૮ ટકા અને ર૦૧૪માં પ૪.૧૭ ટકા મતદાન થયું હતું. આમ ગત ચુંટણી કરતાં ૪.૪૯ ટકા મતદાન ઘટી માત્ર ૪૯.૬૮ ટકાએ માંડ પહોંચ્યું હતું. ભાજપે તો પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની આખી ફોજ ઉતારી હતી. કોંગ્રેસે છેલ્લે-છેલ્લે પ્રદેશનાં નેતાની બેઠક કરી બાદમાં ડોરટુડોર સંપર્ક કર્યો હતો. જયારે એનસીપી દ્વારા પણ પ્રચાર અભિયાન જારી રાખવામાં આવ્યું હતું. અપક્ષો પણ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોને હંફાવતાં હતાં. તેમ છતાં કોઈપણ પક્ષ લોકોને મતદાન મથક સુધી ખેંચી લાવવામાં સફળ થયો ન હતો. પ્રજામાં એક જાતનો છુપો રોષ હોય તેનાં કારણે પ૦.૩ર ટકા લોકો મતદાન કરવાથી અળગા રહ્યાં હતાં. જો કે ભાજપ, કોંગ્રેસ, એનસીપી, અપક્ષો કેટલી બાજી મારશે તેનો આવતીકાલે ફેંસલો થઈ જશે. ખાસ તો વિના વિધ્ને શાંતિપૂર્ણ માહોલમાં નાના સરખા છમકલા સિવાય પણ ચુંટણી સંપન્ન થતાં જૂનાગઢ રેવન્યુ તથા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૧પ૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હવે આવતીકાલે મંગળવારે ખુલજા સીમસીમ છે ત્યારે આવતીકાલે મંગળવાર કોના માટે મંગળકારી અને કોના માટે અમંગળકારી નિવડે છે તે તો આવતીકાલે બપોર સુધીમાં જાણવા મળશે. લગભગ ૧ર વાગ્યા સુધીમાં જ જાણવા મળશે કે કોના બાર વાગી ગયાં.

Leave A Reply