Saturday, October 19

જૂનાગઢની જનતાને લાખ..લાખ..અભિનંદન : મુખ્યમંત્રી

જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી ચુંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીને પ૪ બેઠકો આપી અને પ્રચંડ વિજય અપાવનારા જૂનાગઢ મહાનગરની જનતાનાં ઋણ સ્વીકાર માટે આજે ઐતિહાસીક જૂનાગઢ બહાઉદ્દીન કોલેજનાં ગ્રાઉન્ડ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકારનાં આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢે જે પરીણામ આપ્યું છે તે બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ આગામી પાંચ વર્ષમાં આ જૂનાગઢ શહેરને અને આ શહેરની જનતાને સવાયું કરી આપવાનો કોલ મુખ્યમંત્રીશ્રીએ આપતાં તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લેવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય તેવું બમ્પર પરિણામ ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીનું આવ્યું હતું. આ ચુંટણીમાં ભાજપની ઐતિહાસીક જીત થઈ હતી. કોંગ્રેસને માત્ર ૧ બેઠક તેમજ એનસીપીનાં ઉમેદવારોને ૪ બેઠક મળી હતી. જયારે ભારતીય જનતા પાર્ટીને પ૪-પ૪ બેઠક ઉપર ભવ્ય અને શાનદાર વિજય થયો હતો જૂનાગઢની જનતાએ જે ભવ્ય વિજય અપાવ્યો છે તે બદલ આજે સવારે જૂનાગઢ બહાઉદ્દીન કોલેજનાં ઐતિહાસીક ગ્રાઉન્ડ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકાનાં ઐતિહાસીક વિજય બદલ એક ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને મહાનુભાવો આવી પહોંચતા તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આજે યોજાયેલાં આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌપ્રથમ ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પોતાનાં પ્રાસંગીક ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે જૂનાગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોમાં જે વિશ્વાસ મુકયો છે એ વિશ્વાસને અમે ખરો સાબિત કરશું અને જનતાનાં ઋણને કયારેય ભુલી શકીશું નહીં. ચુંટણી દરમ્યાન ખાસ કરીને જૂનાગઢની મુલાકાત દરમ્યાન તેઓએ જૂનાગઢની જનતાને જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી કોંગ્રેસ માટે અંતિમ શ્વાસ લેનારી બની જવાની છે. અને તે આજે સાબિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ દેશમાં તેમજ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને સતત વિજયને વિજય જ હાંસલ થઈ રહ્યો છે. ર૦૧૭ની ચુંટણી બાદ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરે તમામ ક્ષેત્રોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીનાં આ વિજયની હેટ્રીક બદલ ગુજરાત રાજય રિસર્ચનો વિષય બની ગયેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં પ૪ બેઠકો ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોએ મેળવી છે અને પ્રજાએ આપેલાં પ્રચંડ વિશ્વાસ બદલ આમ પ્રજાનો હાર્દિક આભાર માનું છું. તેમજ લોકોએ જે અમારામાં વિશ્વાસ મુક્યો છે તે બદલ અમારા ચુંટાયેલાં કોર્પોરેટરો, નગરસેવક જનતાની સેવામાં કયાંય કચાશ નહીં રાખે. તેવો કોલ પણ આપ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની આ ચુંટણીનાં પરિણામ ર૦રરની વિધાનસભાની ચુંટણીનો આ જીતનો પાયો છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
જીતુ વાઘાણીએ વિશેષમાં જણાવ્યું હતું કે આ જીતમાં મુખ્યમંત્રીશ્રીનું સતત માર્ગદર્શન, ચુંટણી ઈન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયાં, નીતીનભાઈ ભારદ્વાજ તેમજ ભારતીય જનતા પાર્ટીનાં પાયાનાં કાર્યકતા સહિત તમામનો એટલો જ હિસ્સો રહેલો છે અને આજે આ ઋણ સ્વિકાર માટે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે ફરી એકવાર જનતાનો આભાર માન્યો હતો.
બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયેલાં ઋણ સ્વિકાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાયેલી આ ચુંટણીમાં જનતા જનાર્દને જે વિજય અપાવ્યો છે તે બદલ જૂનાગઢ શહેરની જનતાનો આભાર માની લાખ…લાખ…અભિનંદન પાઠવ્યાં હતાં. વરસતાં વરસાદમાં પણ લોકોએ જે સમજદારી બતાવી અને ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોને વિજેતા બનાવી જે પ્રચંડ બહુમતી અપાવી છે તે ઐતિહાસીક છે. આ તકે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ રણટંકાર કરતાં જણાવ્યું હતું કે લોકોએ અમારામાં જે વિશ્વાસ મુક્યો છે તે કયારેય એળે જશે નહીં. આ પાંચ વર્ષમાં જૂનાગઢ શહેરનાં વિકાસને અમે ચરમસીમાએ પહોંચાડી દઈશું. ગુજરાત સરકાર-કેન્દ્ર સરકાર અને આ સૌનાં સહિયારા સહકાર સાથે સૌનો સાથ, સૌનો વિકાસનાં સુત્રને સાકાર કરશું તેવો કોલ પણ આપ્યો હતો. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પક્ષ ઉપર તીવ્ર અને આકરાં પ્રહારો પણ કર્યા હતાં. ગઈકાલે રાજયની ૧૧૦થી વધુ પેટા ચુંટણીનું પરિણામ લોકસભાની ચુંટણીમાં ર૬એર૬ બેઠક ભાજપને અને મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપને ગઈકાલે જે ભવ્ય જીત મળી છે તેને લઈને ગુજરાત કેસરીયું બની ગયું છે તેવો ઉદ્‌ગાર મુખ્યમંત્રીએ આપ્યો હતો. આ સાથે જ કોંગ્રેસનો કરૂણ રકાશ અને કોંગ્રેસ સમાપ્ત થઈ ગઈ છે અને કોંગ્રેસથી વિમુકત થયેલાં લોકોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવી અને ભાજપ સાથે જાડાયેલાં છે તે તમામને પણ અમોએ આવકાર્યાં છે તેમ જણાવી ફરી એકવાર જૂનાગઢની જનતાને લાખ…લાખ…અભિનંદન પાઠવ્યા હતાં.
બહાઉદ્દીન કોલેજ ખાતે યોજાયેલાં ઋણ સ્વિકાર કાર્યક્રમમાં રાજયનાં મત્સયોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, જયેશભાઈ રાદડીયા, રાજુભાઈ ધ્રુવ, ગોરધનભાઈ ઝડફિયાં, નીતીનભાઈ ભારદ્વાજ, ભીખુભાઈ દલસાણિયા, કાળુભાઈ સુખવાણી, અમૃતભાઈ દેસાઈ, મો.લા.પટેલ, ડી.પી.ચિખલીયા, જી.પી.કાઠી, કે.બી.પંડ્યા, ભીખુદાન ગઢવી, નિલેશ ધુલેશીયા, અનીલભાઈ પટોળીયા, કિરીટભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકતાઓ-પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું ભાજપનાં ચુંટાયેલાં કોર્પોરેટરોએ ક્રમ વાઈઝ ફુલહાર-અભિવાદન અને સાફો પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમજ ગ્રામ્ય પંથકમાંથી પણ બંને મહાનુભાવોનું ફુલહાર અને સાફો પહેરાવી સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન ભારતીય જનતા પાર્ટીનાં જૂનાગઢ શહેર ભાજપ મહામંત્રી ચંદ્રેશ હેરમાએ કર્યું હતું. મિડીયા ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ ચૌહાણ, કલ્પેશ અવાસીયા, સંજય મણવર અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બીજી તરફ આજે જૂનાગઢમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતીમાં બહાઉદ્દીન કોલેજ ખાતે ઋણ સ્વિકારનો કાર્યક્રમ યોજવામાં આવેલ હોય આ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય તેમજ ટ્રાફિક નિયમનનું પણ યોગ્ય કાર્યવાહી થાય તેમજ કોઈ જાતની અવ્યવસ્થા ન સર્જાઈ તે માટે આઈજીપી સુભાષ ત્રિવેદી, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Leave A Reply