Saturday, October 19

જૂનાગઢ મનપામાં સત્તાનાં સિંહાસન ઉપર કોણ બિરાજશે…?

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીનાં પરિણામોએ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવી છે અને ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં બહાઉદ્દીન કોલેજ જૂનાગઢ ખાતે ઋણ સ્વિકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જાહેર સભામાં મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખે જૂનાગઢની જનતાને વિકાસની ટોચ ઉપર લઈ જવાનું સપનું આપ્યું છે અને આ સપનું સાકાર કરવા માટેનાં ભરપુર પ્રયાસો કરવામાં આવશે તેવી કટીબધ્ધતા પણ વ્યકત કરી છે અને જૂનાગઢનાં નાગરીકોને લાખ…લાખ… ધન્યવાદ પણ પાઠવ્યાં છે. ત્યારબાદ હવે આગામી તા.૩૧ જુલાઈનાં રોજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં સતાનાં સિંહાસન ઉપર કોણ બિરાજશે ? તે અંગેની ચર્ચાઓનો દૌર શરૂ થઈ ગયો છે અને આ સાથે જ વિવિધ પદ મેળવવા માટે હોડ પણ શરૂ થઈ ગઈ છે, લોબિંગ પણ શરૂ થઈ ગયું છે પરંતુ ઉચ્ચકક્ષાએથી આદેશો છુટ્યાં બાદ જ આનો નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકામાં કુલ પ૪ બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે અને પ્રચંડ બહુમતી સાબિત કરી છે. તેવા સમયમાં જૂનાગઢ કોર્પોરેશનમાં સુશાસન અને રામરાજ્યની પરિકલ્પનાં સાકાર થાય તેવી વ્યકિતનાં હાથમાં સુકાન સોંપાય તો જૂનાગઢની જનતાને પણ ચિંતા ન રહે અને મોવડી મંડળને પણ ચિંતા ન રહે તેવાં ગંભીર સમીકરણો મુકાય રહ્યાં છે. વિજયનાં વધામણાંની જાહેર સભા બાદ ગુજરાત ભાજપનાં વરિષ્ઠો તેમજ મુખ્યમંત્રીશ્રી સહિતનાઓ દ્વારા દરેક બાબતનો, દરેક પાસાંઓનો વિચાર-વિમર્શ કરવામાં આવી રહેલ છે. ભ્રષ્ટાચારની કલંક ટીલી ન લાગે તેવાં ટકોરાં મારીને પદાધિકારીઓને પસંદ કરવા માટેનાં ચકવ્યુહ રચાઈ ગયા છે તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં આ વખતે પ૦ ટકા મહિલાઓએ પણ જીત મેળવી અને રંગ રાખ્યો છે ત્યારે મહિલાઓને પણ પ્રાધાન્ય આપવું પડે તેવું સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે અને આગામી તા.૩૧ જુલાઈનાં સત્તાનાં સિંહાસન ઉપર નિયુક્તી કરવા માટે કવાયતો જોર-શોરથી શરૂ થઈ રહી છે. આ દરમ્યાન મહાનગરપાલિકાનાં મેયર-ડે.મેયર-સ્ટે.કમિટીનાં ચેરમેન-શાસકપક્ષનાં નેતા-દંડક પદ ઉપર કોની નિમણુંક થશે ? અને કોની શકયતા છે ? તે અંગે પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય વર્તુળોનાં મંતવ્ય અનુસાર મહાનગરપાલિકાનાં મેયર તરીકે ધીરૂભાઈ ગોહેલની વરણી નિશ્ચિત છે જયારે ડે.મેયર તરીકે આ વખતે વર્તમાન ડે.મેયરનો પદભાર મહિલાને સોંપાય તેવી સંભાવના છે તેવી ભાજપનાં રાજકીય જુથોમાં આ બાબતની પણ ચર્ચાઓ થઈ રહી છે. આ વખતે ડે.મેયર તરીકે મહિલાની પસંદગી થાય તેવું ચર્ચાઈ છે. ડે.મેયર તરીકે આરતીબેન જોષી, સીમાબેન પીપલીયા, ભાવનાબેન હિરપરા અને શિલ્પાબેન જોષીનાં નામોની ચર્ચા થઈ રહી છે. જયારે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ તેમજ શાસકપક્ષનાં નેતા તરીકે શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી, પુનિતભાઈ શર્મા અને દંડક તરીકે હરેશભાઈ પરસાણાનાં નામો ચર્ચામાં છે. એક ગણતરી અનુસાર જા ડે.મેયર પદ લેઉવા પટેલ સમાજને પ્રતિનિધીત્વ આપવામાં આવશે તો દંડકમાં બ્રાહ્મણને પ્રતિનિધીત્વ અપાશે. આ થિયરી અનુસાર હાલ કવાયતો શરૂ થઈ છે અને જૂનાગઢની જનતામાં પણ ઉત્કંઠા જોવા મળે છે કે મહાનગરપાલિકાનાં સતાનાં સિંહાસને કોણ બિરાજશે…? તે અંગે તમામની મીંટ મંડાયેલી છે. ઉપરાંત દંડક તરીકે ગિરીશ કોટેચાની વરણી થાય તેવી પણ ચર્ચાઈ થઈ રહી છે.

Leave A Reply