Saturday, October 19

જૂનાગઢ-કેશોદ અને માણાવદરમાં સુરક્ષાનાં ભાગરૂપે સુપરકોપ મોટરસાયકલ પેટ્રોલીંગનો પ્રારંભ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંગીન બને તેમજ પ્રજાનાં જાન-માલની સલામતી માટે જીલ્લા પોલીસત્તંત્ર દ્વારા સઘન સલામતીનાં પગલાં લેવામાં આવી રહેલ છે. આ ઉપરાંત સમયાંતરે લોકદરબાનો કાર્યક્રમ પણ યોજી અને સમાજનાં જુદાં-જુદાં વર્ગનાં લોકો-વેપારીઓ-આગેવાનો સાથે બેઠકો યોજી અને વિચાર-વિમર્શ જાણી અને આગામી કાર્યક્રમો અને સુરક્ષા અંગેનાં પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. દરમ્યાન જૂનાગઢ અને કેશોદ પંથકમાં પેટ્રોલીંગની સઘન વ્યવસ્થા માટે ગઈકાલથી સુપર-કોપ મોટરસાયકલ દ્વારા પેટ્રોલીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પોલીસ વિભાગમાં અવાર નવાર નવાં-નવાં ફેરફાર કરી, આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી વધુ સક્રિય બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને તેનો ફાયદો પ્રજાની સુરક્ષા અને સલામતી માટે કરવામાં આવતા ફેરફારથી પ્રજા સલામતીની ભાવના અનુભવે છે. જૂનાગઢ રેન્જનાં આઇજીપી સુભાષ ત્રિવેદી દ્વારા જૂનાગઢ રેન્જમાં દરેક જિલ્લામાં પ્રજાની સલામતી માટે અવાર નવાર સુધારાઓ કરી પ્રજાની સલામતીમાં વધારો કરી રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢ રેન્જનાં આઇજીપી સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ શહેર વિસ્તારમાં એ, બી અને સી ડિવીઝન પોલીસ સ્ટેશનોમાં તથા કેશોદ અને માણાવદર પોલીસ સ્ટેશન ખાતે સુપર કોપ મોટર સાયકલ પેટ્રોલિંગ શરૂ કરવાનો નિર્ણય કરી, કુલ ૧૦ સુપર કોપ મોટર સાયકલ પેટ્રોલિંગ માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના એ, બી, સી ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ કેશોદ ખાતે બે સુપર કોપ મોટર સાયકલ તેમજ ભવનાથ પોલીસ સ્ટેશન અને માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એક સુપર કોપ મોટર સાયકલ ફાળવવા નિર્ણય કરવામાં આવેલ છે. આ સુપર કોપ મોટર સાયકલની વિશેષતા એ છે કે, આ સુપર કોપ મોટરસાયકલમાં એક લાલ બ્લ્યુ લાઈટ, સાયરન, લાઉડ સ્પીકર વગેરે વિશેષતાઓથી સજ્જ છે. આ સુપર કોપ મોટરસાયકલ જૂનાગઢ શહેરના એ, બી તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા કેશોદ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવેલ છે. આ સુપર કોપ મોટર સાયકલ ઉપર બે પોલીસ જવાનો હથિયાર અને વાયરલેસ હેન્ડ સેટ સાથે ફરજ બજાવશે. આ સુપર કોપ મોટર સાયકલ ઉપર પેટ્રોલિંગ કરતાં પોલીસ જવાનો પોલીસ સ્ટેશન તથા પોલીસ કંટ્રોલ રૂમની સૂચના આધારે પેટ્રોલિંગ દરમ્યાન શહેર વિસ્તારમાં કોઈ જગ્યાએ કોઈ બનાવ બને તો તાત્કાલિક પહોંચી પરિસ્થિતિ સંભાળી લેશે અને ત્યારબાદ પીસીઆર વાન તથા અન્ય પોલીસ સાથે મદદમાં પણ રહેશે. આમ, શહેર વિસ્તારમાં આ સુપર કોપ મોટર સાયકલ તાત્કાલિક બનાવવાળી જગ્યા પહોંચવા સક્ષમ બનશે અને પ્રજાની સલામતીમાં વધારો થશે. જૂનાગઢ રેન્જનાં વડા સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જિલ્લાનાં પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં જૂનાગઢ રેન્જ કચેરી ખાતેથી તમામ સુપર કોપ મોટર સાયકલને ફલેગ આપી રવાના કરી આજથી જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવેલ હતું.

Leave A Reply