જૂનાગઢના શિવાલયોમાં ગુરૂવારથી ગુંજશે ૐ નમઃ શિવાયના નાદ

દેવોના દેવ મહાદેવના પાવન કલ્યાણકારી શ્રાવણ માસનો તા. ૧લી ઓગસ્ટ ગુરૂવારથી પ્રારંભ થનાર હોય શિવભક્તોમાં હરખની હેલી ચડી છે. ગુરૂવારથી જૂનાગઢ શહેરના તમામ શિવાલયોમાં
‘ૐ નમઃ શિવાય, હર હર મહાદેવ હર’ના નાદ ગુંજી ઉઠશે. વહેલી સવારથી જ શિવજીના ભક્તો દૂધ, દહીં, ઘી, મધ, શેરડીનો રસ, નારીયેળ પાણી સહિતના વિવિધ દ્રવ્યોથી શિવજીની પૂજા, અર્ચના કરી તેમના આશિર્વાદ મેળવશે. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે અને મોડી રાત્રી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થશે જેમાં ભાગ લઈ, દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવશે.
શ્રાવણ માસ એ શિવજીનો મહિનો ગણાય છે. શિવજી તો ભોળાના ભગવાન છે. માત્ર એક લોટો જળ ચડાવો તો પણ પ્રસન્ન થઈ વરદાન આપે છે. માટે જ કહેવાય છે કે શિવજીની પૂજા માટે કોઈ વિશેષ સમગ્રીની જરૂર નથી, એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર, દયાળુ પ્રભુ રોજ કે દેતે હૈ ચંદ્રમોલી ફલ ચાર. આમ સાવ સાદી રીતે શિવજીની પૂજા કરી તેમના શુભાશીષ મેળવી શકાય છે. દરમ્યાન શ્રાવણ માસની ગુરૂવારથી શરૂઆત થનાર હોય જૂનાગઢ શહેરના શિવમંદિરોમાં પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં ભવનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ (તળાવ દરવાજા), મંગલધામ સ્થિત મંગલેશ્વર મહાદેવ, દિપાંજલી સ્થિતઓમકારેશ્વર મહાદેવ, ઝાંઝરડા સ્થિત સિધ્ધનાથ મહાદેવ, જાષીપરા સ્થિત શાંતેશ્વર મહાદેવ સહિતના વિવિધ શિવમંદિરોમાં શ્રાવણ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને વિવિધ સુગંધીત દ્રવ્યોના અભિષેક, વિવિધ શણગાર, દિપમાળા, મહાઆરતી, ધૂન-ભજન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થનાર છે. શિવભક્તો સમગ્ર શ્રાવણ માસમાં શિવમય બની જશે. મંદિરોને વિવિધ રંગરોગાન, લાઈટીંગથી શણગાર કરવામાં આવી રહયા છે. તેમજ ભાવિકો માટે વિવિધ દર્શનની સુવિધા ઉભી કરવામાં આવશે જેથી ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે ભીડ ઉમટે તો પણ લોકો શાંતિથી દર્શન કરી શકે. આમ ૧ ઓગસ્ટ ગુરૂવારથી ૧ મહિના સુધી જૂનાગઢીઓ શિવમય બની જશે અને વાડલા ફાટકથી લઈને છેક ભવનાથ-ગિરનારની ગોદ સુધી અત્ર-તત્ર સર્વત્ર હર હર મહાદેવ હરના નાદ ગુંજી ઉઠશે.

Leave A Reply