મેઘરાજાની અમીવર્ષા : વિસાવદરમાં ર.પ, ભેંસાણ, માંગરોળ, માળીયામાં ૧ ઈંચ

જૂનાગઢ જીલ્લામાં મેઘરાજાએ અમીવર્ષા વરસાવવાનું શરૂ કરી દેતાં ખેડૂતો અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. મધ્યમ અને હળવા ઝાપટાં સાથે વરસતા વરસાદથી ડુકી ગયેલા કુવા અને બોરમાં નવા નીરની આવક શરૂ થતાં હાલ પુરતી તો જળ સમસ્યા થોડી હળવી બની છે. મેઘરાજાએ સોમવારે વિસાવદર ઉપર હેત છલકાવી અઢી ઈંચ જેટલું પાણી વરસાદી ધરાને તરબોળ કરી દીધી હતી. જયારે ભેંસાણ, માંગરોળ અને માળીયામાં એક ઈંચ વરસાદ પડયો હતો. ફર્લ્ડ કંટ્રોલમાંથી તા. ૩૦નાં સવારનાં ૧૦ વાગ્યા સુધીનાં આંકડા મુજબ કેશોદમાં ૧૪ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૮ મીમી, ભેંસાણમાં ર૬ મીમી, મેંદરડામાં ૧૭ મીમી, માંગરોળમાં ર૧ મીમી, માણાવદરમાં ૧૩ મીમી, માળીયામાં ર૦ મીમી, વંથલીમાં ૮ મીમી, જયારે વિસાવદરમાં ૬પ મીમી વરસાદ નોંધાયો હતો.
આજ સવારથી હજુ પણ વરસાદી વાદળાથી આકાશ ઘેરાયેલું છે અને વરૂણદેવ મધ્યમથી હળવા ઝાપટાં વરસાવી રહયા છે. સોરઠમાં ધીમી ધારે વરસાદ પડી રહયો હોય ખેડૂતો આ વરસાદને કાચા સોના સમાન જણાવી રહયા છે.
કાળવો હજુ ખાલીખમ ગિરનાર પર્વત અને ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ પડયો ન હોય વિલીંગ્ડન ડેમ ઓવરફલો થયો નથી જેથી કાળવો બે કાંઠે છલકાયો નથી. ઝાંઝરડા રોડ સહીતનાં વિસ્તારનાં ભુગર્ભ તળને ઉંચા લાવતા નરસિંહ સરોવરમાં નવા નીરની કોઈ આવક થઈ નથી. વિલીંગ્ડન ડેમમાં પણ નહીવત પાણીની આવક થઈ છે. જૂનાગઢ જીલ્લાનાં લગભગ જળાશયો હજુ પણ નવા નીરની ધિમી ચાલે આવક થઈ છે.

Leave A Reply