Saturday, October 19

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયરપદે મિ. કલીન ધીરૂભાઈ ગોહેલની વરણી નિશ્ચિત

જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી યોજાયા બાદ ભાજપ તરફી બમ્પર પરિણામ આવ્યું છે અને આ ચુંટણીમાં ભાજપે ઐતિહાસીક જીત પ્રાપ્ત કરી લીધી છે અને આવતીકાલે જૂનાગઢ કોર્પોરેશનમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, શાસક પક્ષનાં નેતા અને દંડક સહિતનાં પદોની વરણી કરવામાં આવનાર છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર તરીકે પ્રજાપતિ સમાજનાં અગ્રણી જાણિતાં બિલ્ડર-સેવાભાવી અને નિષ્ઠાવાન તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલાં શ્રી ધીરૂભાઈ ગોહેલની વરણી નિશ્ચિત બની છે. જયારે અન્ય વિવિધ પદો માટે પણ ઉચ્ચકક્ષાએથી આદેશો છુટયાં બાદ નામો જાહેર કરીને આવતીકાલે જ મેયર સહિત વિવિધ પદાધિકારીઓની વરણીનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. જા કે મેયર સિવાયનાં અન્ય પદો માટેની ખેંચતાણ અને વિચાર-વિમર્શ સતત ચાલી રહ્યાં છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક પણ મળી હતી અને તેમાં પણ આ મહત્વનાં મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીનાં ગત શાસનનાં પાંચ વર્ષનો આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લો દિવસ છે. આજે તા.૩૧ જુલાઈએ આ મુદ્દત પુરી થઈ રહી છે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનાં ચુંટાયેલાં હોદ્દેદારોને કાર્યભાર સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેનાથી ભાજપે નખશીશ મિ. કલીન ગણાતા મેયર પદે જેમના નામ સાથે ચુંટણીમાં ભાજપે સફળતા મેળવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી યોજાયા બાદ સૌપ્રથમવાર આવતીકાલે ૧લી ઓગસ્ટ ૧ર વાગ્યે જનરલ બોર્ડની બેઠક મળી રહી છે અને આ બેઠકને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી જાહેર થતાંની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ ચુંટણી પહેલાં જ મેયરપદે ધીરૂભાઈ ગોહેલનાં નામની જાહેરાત કરી દિધી હતી. મેયરપદનું નામ જાહેર થયા બાદ યોજાયેલી આ ચુંટણીમાં ધીરૂભાઈ ગોહેલનાં નામની અસર ગણો કે તેમનો પ્રભાવ જે ગણો તે ભારતીય જનતા પાર્ટીને વધુ ૧૦ થી ૧ર બેઠકો મેળવવામાં સફળતા મળી છે. અને આવડી મોટી જીત ભાજપને પ્રાપ્ત થઈ છે તેનાં સરવૈયા પણ મંડાઈ રહ્યાં છે. જે-તે વખતે ધીરૂભાઈ ગોહેલનાં નામની જાહેરાત કરવામાં આવી તે વખતે ધિરૂભાઈ ગોહેલ વિદેશનાં પ્રવાસે હતાં તેઓને ત્યાં જાણ કરી અને ત્યારબાદ તેઓએ ઉમેદવારી પત્રક નોંધાવેલું હતું અને જીત પણ મેળવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર પદે ધીરૂભાઈ ગોહેલની વરણી નિશ્ચિત છે. આ દરમ્યાન જૂનાગઢ મનપાનાં મેયર તરીકે આવતીકાલે પદગ્રહણ અને પદભાર સંભાળવા જઈ રહેલાં ધીરૂભાઈ ગોહેલ વિષે જાણીએ તો…શ્રી ધીરૂભાઈ ગોહેલ પ્રજાપતિ સમાજનાં અગ્રણી છે તેઓનું મુળ વતન વિસાવદર છે અને આજથી ૪ર વર્ષ પહેલાં તેઓએ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલાં સ્વામી નારાયણ મુખ્ય સુવર્ણ મંદિર ખાતે ૧પ વર્ષ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે અને હાલ પણ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિ સાથે જાડાયેલાં છે. બિલ્ડર એસો.જૂનાગઢનાં તેઓ ચેરમેન છે. આ ઉપરાંત લાયન્સ કલબ જૂનાગઢનાં છેલ્લાં ૩૬ વર્ષથી સભ્ય છે અને વિવિધ હોદ્દાઓનો પદભાર સંભાળી અને સુંદર કામગીરી બજાવી છે જયારે તેઓની પોતાની જ જ્ઞાતિ એટલે કે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ-જૂનાગઢ શહેર અને જીલ્લાનાં ૩૦ વર્ષથી તેઓ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી રહ્યાં છે. આ ઉપરાંત જ્ઞાતિની કન્યા છાત્રાલય, જ્ઞાતિની સ્કુલો તેમાં પણ છેલ્લાં ૩૦ વર્ષથી તેઓ પ્રમુખ તરીકે કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘનાં ઉપાધ્યક્ષ તરીકે પણ તેઓ ફરજ બજાવે છે તેમજ જૂનાગઢનાં માજી મંત્રી-માજી સાંસદ મોહનભાઈ પટેલનાં વડપણ હેઠળ ચાલતી મો.લા.પટેલ વિદ્યાલય, શ્યામ વિદ્યાલય, મો.લા.પટેલ કોમર્સ કોલેજ જૂનાગઢનાં સંચાલક તરીકે પણ તેઓ કામગીરી કરી રહેલ છે. સ્વામી મંદિર જેતપુરનાં તેઓ ટ્રસ્ટી છે અને જૂનાગઢ ખાતે આવેલ ખાદી ગ્રામોદ્યોગ તેમજ કેશોદ ગ્રામોદ્યોગ મંદિરનાં માનદ મંત્રી તરીકે સેવા આપી રહેલ છે. તેઓએ માજી મંત્રી-માજી સાંસદ મોહનભાઈ પટેલની સાથે રહી અને સાત જેટલી ચુંટણીમાં ખુબ જ સુંદર કામગીરી બજાવી છે અને તેઓની સાથે બાંધકામ વ્યવસાય સાથે પણ જાડાયેલાં છે. વિસાવદરનાં વતની એવા શ્રી ધીરૂભાઈ ગોહેલ નાનાં પરિવારમાંથી આવી અને સતત વિકાસની અને પ્રગતિની હરણફાળ ભરી છે. કર્મનિષ્ઠ, નિષ્ઠાવાન, ધાર્મિક અને
પરોપકારી પ્રવૃત્તિને લઈને સમાજમાં ખુબ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે અને આવતીકાલે મેયર પદનો તાજ પણ તેઓનાં શિરે રોપાશે તે નિશ્ચિત બન્યું છે. તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં અન્ય હોદ્દેદારો માટેની પણ વરણી થવાની છે. જે ઉપર એક દૃષ્ટિપાત કરીએ તો ડે.મેયર પદ, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, શાસક પક્ષનાં નેતા-દંડક સહિતનાં પદો ઉપર પણ વરણીનો કળશ ઢોળાશે. હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનાં ચુંટાયેલાં કોર્પોરેટરોમાંથી કોની પસંદગી થાય છે તે ઉપર સંબંધીત તમામની મીંટ મંડાયેલી છે.

Leave A Reply