Sunday, November 17

જૂનાગઢનું જળસંકટ હરી લેતાં મેઘરાજા વિલિંગ્ડન ડેમ – નરસિંહ મહેતા તળાવ છલકાયું

જૂનાગઢમાં આખરે લાંબી પ્રતિક્ષા બાદ પધારેલા મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જૂનાગઢ શહેરમાં ૪ ઈંચ અને ગિરનાર જંગલમાં સાતેક ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. શહેરનાં અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું અને રસ્તામાં ખાડાનું પ્રમાણ વધી જતાં વાહન ચાલકોની પરેશાની વધી હતી. દરમ્યાન ગિરનારનાં જંગલમાં પડેલા ભારે વરસાદનાં કારણે સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. દામોદરકુંડ છલકાયો હતો. જયારે દિવસભરનાં ભારે વરસાદનાં કારણે ગિરનાર પર્વત જંગલમાંથી ઝરણાં વહેતા થયા હતા. ગિરનારનાં જંગલમાં પડેલાં ભારે વરસાદનાં કારણે પાણીની આવકમાં સતત વધારો થતાં જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. તેની સાથો-સાથ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતાં સરોવર પણ છલકાયું હતું. નરસિંહ મહેતા સરોવર છલકાતા ઝાંઝરડા સહિતનાં ઓજી વિસ્તારનાં પાણીનાં તળ ઉંચા આવતા આ વિસ્તારોનો પાણીનો પ્રશ્ન હલ થઈ જશે. આમ મેઘરાજાએ મહેર કરી એક જ રાતમાં જૂનાગઢનું જળસંકટ હરી લીધું. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં મહત્વનાં બે જળાશયો આણંદપુર અને વિલિંગ્ડન ડેમ છલકાઈ જતાં પાણીનો ગંભીર પ્રશ્ન મહ્‌દઅંશે હલ થઈ ગયો છે. ૧ રાતમાં મેઘરાજાએ ૧ વર્ષનું પાણી ઠાલવી દેતાં શહેરીજનોનાં ચહેરા ઉપર ખુશી છલકાઈ ગઈ છે. જા કે હજુ પણ વાતાવરણ ડામાડોળ છે, ભારે વરસાદની આગાહી છે. જેથી હસ્નાપુર ડેમમાં પણ પાણીની આવક વધશે.
હસ્નાપુર ડેમ પણ છલકાયો તો પાણીની તંગીની સમસ્યા દુર થઈ જશે. દરમ્યાન ગઈકાલે જ નરસિંહ તળાવમાંથી ગાંડીવેલ-કચરો દુર કરવામાં આવ્યો હતો.

Leave A Reply