Sunday, November 17

પાણી કાપ હટાવવાના કામને પ્રાથમિકતા અપાશે : ધીરૂભાઈ ગોહેલ

કુદરતે છુટા હાથે હેત વરસાવી વિપુલ જળરાશી આપી છે ત્યારે જૂનાગઢ શહેરીજનો માટે પાણી કાપ હટાવવાના કામને પ્રાથમિકતા અપાશે તેમ મેયરપદે વરણી થયા બાદ શહેરના પ્રથમ નાગરિક ધીરૂભાઈ ગોહેલે જનતાને કોલ અપાતાં જણાવ્યું હતું. આખરે લાંબી પ્રતિક્ષા બાદ મેઘરાજાએ અપાર હેત વરસાવી સર્વત્ર પાણી પાણી કરી દીધું છે. નરસિંહ તળાવ, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ છલકાયા છે. હસ્નાપુર ડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે ત્યારે જનતા ઉપરનો પાણીનો કાપ દૂર થવો જાઈએ તેવી જનતાની ઈચ્છાને નવનિયુક્ત મેયરે પારખી તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ દિવસે મેયર પદ સંભાળનાર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, કમિશ્નર સાથે બેસીને આ મામલે ચર્ચા કરી સત્વરે પાણી કાપ દૂર થાય તેવા મારા પ્રયાસો છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં માથાના દુઃખાવારૂપ ટ્રાફિકની સમસ્યા સર્જતા રેલ્વે ફાટકના પ્રશ્નને ઉકેલવા માટે દિલ્હી જઈ રજુઆત કરાશે. જ્યારે ગિરનાર રોપવે સત્વરે શરૂ થાય તેમજ નરસિંહ તળાવના બ્યુટીફીકેશનનું કામ પણ વ્હેલીતકે શરૂ થાય તે માટે પ્રયત્નશીલ રહીશ. મેયરે બોર્ડમાં જ જણાવ્યું હતું કે, હું પગાર, ભથ્થું નહીં લઉ તેમજ સરકારી ગાડીનો ઉપયોગ પણ માત્ર કોર્પોરેશનના કામ માટે જ કરીશ. અંગત કામ માટે ગાડીનો ઉપયોગ કરવામાં નહીં આવે. દરમ્યાન મેયરની વરણી થયા બાદ જૂનાગઢ શહેરના તમામ પ્રતિષ્ઠિત લોકો, સામાજીક, શૈક્ષણીક સંસ્થાના વડાઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓથી લઈને ભવનાથના સાધુ સંતો પણ મેયરને અભિનંદન, આશીર્વાદ આપવા કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા. મેયર સહિતના તમામ નવનિયુક્ત હોદ્દેદારો તેમજ વિપક્ષી નેતાની ચેમ્બરને પણ શણગારવામાં આવી હતી. દિવસભર નવનિયુક્તોને અભિનંદન આપવા લોકો ઉમટી પડતાં મનપાના પાર્કિંગમાં વાહન પાર્ક કરવાની જગ્યા સાંકડી પડી હતી. જેના કારણે જૂનાગઢ મનપાના કેટલાક પદાધિકારીઓને પણ પોતાના વાહનો મનપાના ગેઈટ બહાર પાર્ક કરવાની ફરજ પડી હતી.

Leave A Reply