સોરઠમાં અવિરત મેઘ મહેર, વધુ અડધાથી ચાર ઈંચ વરસાદ

જુલાઈ અને અષાઢ માસનાં આખરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સારો વરસાદ વરસાવી દુષ્કાળના ઓછાયાને અદૃશ્ય કરી દીધો છે. હવે કુદરતે માનવીને સંકેત આપી દીધો છે કે પાણીનો કરકસરયુકત ઉપયોગ કરો, વૃક્ષોનું વધુ વાવેતર કરી પર્યાવરણ જાળવણી કરતાં શીખો. નહિંતર પાક અને પાણી માટે વલખા મારવા પડશે. અહીંયા એ જ કહેવું પડે કે, માનવી મતલબી બન્યો છે પરંતુ કુદરતના હૈયે તો સૌનું હિત છે. જયારે છેલ્લા એક અઠવાડીયાથી અવિરત મેઘકૃપા થઈ રહી છે. ફલડ કંટ્રોલમાંથી મળેલા તા.૩ ના સવારના ૬ સુધીના આંકડા મુજબ જૂનાગઢમાં ર૬ મી.મી., ભેસાણમાં પર મી.મી., મેંદરડામાં ૧૮ મી.મી., માણાવદરમાં ૭ મી.મી., માળિયામાં ૬ મી.મી., વંથલીમાં ર૭ મી.મી. અને વિસાવદરમાં વધુ પ૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. જીલ્લામાં સરેરાશ પ૩.૪પ ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વિસાવદરમાં ૭૮.૯૦ ટકા, મેંદરડામાં ૭૦.૮૩ ટકા અને ભેસાણમાં ૬૧.પ૪ ટકા વરસાદ પડી ગયો છે.
અષાઢના અંત સુધીમાં સીઝનનાં પ૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો હોય અને શ્રાવણ માસમાં પણ સારા વરસાદની આગાહી છે. હવે મોટા જળાશયોમાં નવા નીર આવી જાય તો જળસંકટ પણ હળવું બની જાય તેમ છે. ગિર સોમનાથ જિલ્લામાં પણ ૧ થી ૪ ઈંચ જેવો વરસાદ પડી ગયો છે.

Leave A Reply