Wednesday, January 22

જૂનાગઢ શહેરને ટુંક સમયમાં મળશે શુધ્ધ પાણી : રાકેશ ધુલેશીયા

ઐતિહાસીક, ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી તરીકે જેની ગણનાં થઈ રહી છે તેવા જૂનાગઢ શહેરનો સર્વાંગી વિકાસ માટેનું સપનું સાકાર કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાશુંભાઈ પંડ્યા, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસક પક્ષનાં દંડક ધરમણભાઈ ડાંગર અને તેમની ટીમ કટિબધ્ધ બની છે. તાજેતરમાં જ આ પદાધિકારીઓની નિમણુંક થયા બાદ પોતાનાં હોદ્દાનો પદભાર સંભાળી લીધો છે અને જૂનાગઢનાં વિકાસ માટે શું કાર્યવાહી થઈ શકે ? તે માટેની કાર્યનિતી ઘડી કાઢવામાં આવી છે અને સમગ્ર ટીમ દ્વારા એક એકશન પ્લાન ઘડી અને એક પછી એક વિકાસનાં કાર્યોને વેગ આપવાનો નિર્ધાર ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે વિધિવત ચાર્જ સંભાળનાર રાકેશભાઈ ધુલેશીયાએ વ્યકત કર્યો હતો.
શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ગઈકાલે ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલાં સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવનાં દર્શન અને પુજા કર્યા બાદ સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાએ ગઈકાલે વિધીવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ તકે મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા, મેયર ધીરૂભાઈ ગોહેલ, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસકપક્ષનાં દંડક ધરમણભાઈ ડાંગર, પદાધિકારીઓ તેમજ સ્ટેન્ડીંગ કમિટીનાં સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાગઢ સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન પદે વિધીવત કાર્યભાર સંભાળનારા રાકેશભાઈ ધુલેશીયાએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરનો વિકાસ કરવા માટેનાં પ્રથમ ચરણનો પ્રારંભ થઈ ચુકયો છે અને આ શહેરની જનતાને પ્રાથમિક સુવિધા સહિતનાં પ્રશ્નો હલ થાય તે માટેનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સૌપ્રથમ અમારી આ સમગ્ર ટીમ દ્વારા શહેરનાં જે પ્રશ્નોને હાથ ઉપર લેવામાં આવેલ છે તેમાં જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન ડેમ કે જે પ્રકૃતિનાં ખોળે રહેલ છે અને એક પર્યટક સ્થળ તરીકે પણ વિકાસ પામી શકે છે તેવાં આ સ્થળને પુર્ણપણે વિકસાવવામાં આવશે. લોકો ત્યાં ફરવા માટે દુર-દુરથી આવે તેવું પ્લાનિંગ છે મનપા તંત્ર દ્વારા તેની અદ્યતન ડિઝાઈન અને એસ્ટીમેટ પણ તૈયાર કરવામાં આવી રહેલ છે. અમદાવાદનાં કાંકરિયા તળાવ માફક વિલિંગ્ડન ડેમ પણ આગામી દિવસોમાં જ સુંદર નવા રૂપરંગ સાથે તૈયાર કરવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં બિરાજમાન સંતો-મહંતો તેમજ ઉતારાધારકો અને સંસ્થાકીય મંડળોનો જે વર્ષો જુનો પ્રશ્ન છે ખાસ કરીને ગટરનો પ્રશ્ન અને આ ગટરનું ગંદુ પાણી દામોદરકુંડમાં આવતું હોય અને આ પ્રદુષિત પાણીને લઈને લોકોની લાગણી દુભાતી હોય તેવાં આ પ્રશ્નને હલ કરવા માટે અમે કામગીરી હાથ ઉપર લઈ રહ્યાં છીએ. વર્ષો જુનો આ ભુર્ગભ ગટરનો પ્રશ્ન છે તેનાં નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરી અને આ ભુર્ગભ ગટરને ડાઈવર્ટ કરી અને તેનાં નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને દામોદરકુંડને પ્રદુષિત પાણીથી બચાવી લેવાશે અને ત્યાં શુધ્ધ પાણી રહે તેવો પ્રબંધ કરવામાં આવશે અને આ રીતે તિર્થગોર સમિતિ, સાધુ-સંતો અને ભવનાથ વિસ્તારનાં લોકોની જે આ સમસ્યા છે તે હલ કરીશું. આ ઉપરાંત આગામી દિવસોમાં જ જૂનાગઢ શહેરને પીવાનું પાણી શુધ્ધ મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને જૂનાગઢ પાસે રૂ.ર કરોડ અને રૂ.૪.પ૦ કરોડનાં ખર્ચે પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર કરાયેલાં બે નવા ફિલ્ટર પ્લાન તૈયાર થઈ ગયાં છે અને સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ કરી જ્યાં-જ્યાં પાણીની પાઈપલાઈન જોડવાની છે તે જોડી અને કામગીરી પુર્ણ થયે તેને આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે અને વધુને વધુ લોકોને તેનો લાભ મળે તેમ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જણાવી શ્રી રાકેશ ધુલેશીયાએ વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરનાં દરેકે-દરેક વોર્ડમાં લોકોનાં પ્રાણ-પ્રશ્નો, પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને પણ ઘટતાં પગલાં ભરવામાં આવશે. ૧ થી ૧પ વોર્ડનો સર્વાંગી વિકાસ થાય તેવી નેમ વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે નિયુકત પામેલાં શ્રી રાકેશભાઈ ધુલેશીયા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લાં ૧૮ વર્ષથી સક્રિય કાર્યકર તરીકે સંગઠન સહિતની પાંખોમાં ઉમદા કામગીરી બજાવી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર ભાજપ યુવા મોર્ચાનાં મહામંત્રી તરીકે ૩ વર્ષ, જૂનાગઢ શહેર ભાજપનાં મહામંત્રી તરીકે ૩ વર્ષ (સ્વ.જીતુભાઈ હિરપરાની સાથે), જૂનાગઢ શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવી છે અને તેઓની જૂનાગઢ મહાનગરપાલિકાનાં ભાજપનાં કોર્પોરેટર તરીકે આ બીજી ટર્મ છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમનાં ઉપર અખુટ વિશ્વાસ મુક્યો છે. અને સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકેનો પદભાર સોંપ્યો છે ત્યારે આ વિશ્વાસને પણ ખરો સાબિત કરવાં કટીબધ્ધ બન્યાં છે. શ્રી રાકેશભાઈ ધુલેશીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાનાં અમારી શાસકપક્ષની સમગ્ર ટીમ, કોર્પોરેટરો, પદાધિકારીઓ સહિતનાં સહિયારા પ્રયાસો થકી આપણે-આપણાં જૂનાગઢ શહેરને નવો રંગરૂપ આવી અને વિકાસની ગતિ આપશું. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જૂનાગઢનાં કમિશ્નર શહેરનાં દરેક વોર્ડમાં લોકોનાં પ્રશ્નો અને સમસ્યા જાણવા નિકળે છે ત્યારે તેઓની સાથે અમારા પાંચ પદાધિકારીઓમાંથી કોઈ પણ એક પદાધિકારી હાજર રહેશે અને તેઓ પણ વિવિધ વોર્ડની મુલાકાત લેશે. પાણી, ગટર, રસ્તા, લાઈટ, રખડતાં ઢોર-કુતરાની સમસ્યા, સફાઈ સહિતની લોકોની જરૂરીયાતોને પુરી પાડવા અમે સૌ એક સાથે ટીમવર્ક બનાવીને કટીબધ્ધ છીએ તેવી ખાતરી આપી હતી અને લોકોને પણ અમારા આ કામમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

Leave A Reply