Wednesday, January 22

‘‘ટીમ જૂનાગઢ’’ને સી.એમ.ના આશિર્વાદ : જૂનાગઢનાં વિકાસ માટેની તત્કાલ પ્રિન્ટ લાવો

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ખુદ જુનાગઢ સહિતના વિકાસ પ્રત્યે જાગૃત હોય તેવા સમયમાં જૂનાગઢ માટે હવે ગોલ્ડન પીરીયડ શરૂ થયો હોય તેમ કહી શકાય. ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની શાસક પક્ષની ‘ટીમ જૂનાગઢ’ને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મત્સ્યોદ્યોગ અને પ્રવાસન વિભાગના મંત્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસમાં જયાં પણ જરૂર પડે સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપવામાં આવતાં જૂનાગઢ મનપાનાં શાસક પક્ષના પદાકિારીઓ અને અને કોર્પોરેટરશ્રીઓ ખુશખુશાલ બની ગયા હતા અને જૂનાગઢ શહેરના વિકાસ માટેના એકશન પ્લાન બનાવવાની તૈયારીમાં પડી ગયા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ પૂર્ણ કરતાં સરકારની કામગીરીને બિરદાવવા માટે ગાંધીનગર ખાતે ‘સંકલ્પ સે સિધ્ધી કી ઔર’નો અભિવાદન કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલીકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હીમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોલીયા, દંડક ધરમણભાઈ ડાંગર સહિત મનપાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રીશ્રીઓને અભિનંદન સાથ શુભેચ્છાઓ આપી હતી. ગઈકાલની ગાંધીનગર ખાતેની મુલાકાત અત્યંત સફળ રહી હતી જે અંગે મેયર શ્રી ધીરૂભાઈ ગોહેલ, ડે. મેયર હિંમાશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા અને તેમની ટીમે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સમગ્ર ટીમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને મળી હતી અને આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ સર્વેને અભિનંદન આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ જુનાગઢ શહેરનાં વિકાસ પ્રશ્ને ચિંતા સેવી અને વિકાસ માર્ગની ડીઝાઈન તત્કાલ આપવા જણાવ્યું હતું અને જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ અંગે કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને નાણાં વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલે પણ જૂનાગઢ શહેરનાં વિકાસ માટે પુરતા નાણાં ફાળવવા જણાવેલ હતું. શ્રી ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ અને પ્રવાસન વિભાગના મંત્રી જવાહરભાઈ ચાવડા સાથેની શુભેચ્છા મુલાકાત દરમ્યાન મંત્રી જવાહરભાઈ ચાવડાએ પણ જણાવેલ કે મારી પાસે પ્રવાસન વિભાગ છે. અને જૂનાગઢ સોરઠ શહેરનાં વિકાસ માટેની પ્રક્રિયામાં જરૂરી ગ્રાન્ટ ફાળવવવા માટેની લાગણી વ્યકત કરી હતી. તેમજ ઉપરકોટનાં વિકાસ માટે પણ જરૂરી નાણાંકીય સહાય સાથે સંપૂર્ણ સહયોગ આપવા જણાવેલ હતું. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ જૂનાગઢની વિકાસ યાત્રાને આગળ ધપાવી સહયોગની ખાત્રી આપવામાં આવી છે. આમ જૂનાગઢ શહેરનો સર્વાંગી વિકાસ અને એ પણ ઝડપી બને તે દિવસો હવે દૂર નથી. ફ્રિ હેન્ડ કામ કરવાની બેસ્ટ ઓફ લક મનપાની ‘‘ટીમ જૂનાગઢને’’ તક મળી છે.

Leave A Reply