સોરઠ ઉપર આભ નિચોવાયું : ગિરનારમાં ૧૦ ઈંચ

સોરઠ ઉપર ફરી મેઘરાજા મહેરબાન થયા છે અને શુક્રવારનાં સવારનાં ઝરમર-ઝરમર વર્ષા સાથે એન્ટ્રી કર્યા બાદ સાંજથી ગતિ વધારીને રાતભર વરસાદ વરસતો રહ્યો હતો. બાદમાં શનિવારે ધમાકેદાર બેટીંગ શરૂ કરતાં જૂનાગઢનાં રસ્તાઓ ઉપર નદીઓ વહેતી જાવા મળી હતી. ગત રાત્રીથી આજે સવાર સુધીમાં ગિરનાર પર્વત-જંગલમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં કાળવો ફરી વખત બે કાંઠે વહેતો થયો હતો. કાળવામાં ધસમસતા પાણીનાં પ્રવાહને નિહાળવા પુલ ઉપર લોકો ઉમટી પડયા હતા. નરસિંહ સરોવર નવા નીરની આવકથી છલોછલ હોય આજે વધુ જળ પ્રવાહ થકી નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા. બિલખાનો રાવત સાગર ડેમ પણ છલોછલ થયો છે.
જૂનાગઢ જીલ્લા ફલ્ડ કંટ્રોલમાંથી પ્રાપ્ત આંકડા મુજબ તા.૧૦ના સવારનાં ૧૦ સુધીમાં કેશોદમાં ૬૩ મી.મી., જૂનાગઢમાં ૯૦ મી.મી., ભેંસાણમાં ૯૯ મી.મી., મેંદરડામાં પ૮ મી.મી., માંગરોળમાં ૪૧ મી.મી., માણાવદરમાં ૮૧ મી.મી., માળિયામાં પપ મી.મી., વંથલીમાં ૮૭ મી.મી અને વિસાવદરમાં ૮૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. હજુ પણ મેઘરાજા વહાલ વરસાવી રહ્યા છે.
જ્યારે માણાવદરના પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ તાલુકામાં સારા વરસાદથી વોંકળા, ખેતરો પાણીથી તરબોળ થયા છે. ઉભા પાકને સારો ફાયદો થયો છે. શહેરની આર.કે. પાર્ક સોસાયટીમાં સવારે ઝાડ પડવાથી ફોલ્ટ સર્જાતા વીજળી ગુલ થઈ હતી.
ગીર સોમનાથ જિલ્લામાં પણ સારો વરસાદ વરસી રહેવાનાં અહેવાલ છે. ઉનામાં ગત રાત્રીનાં વરસાદ પડયો હતો. જો કે જોરદાર પવનથી વાદળો વિખરાઈ ગયા હતા.

જળાશયોમાં આવક શરૂ થઈ
સોરઠનાં મોટાભાગનાં જળાશયોમાં હજુ પણ પાણીની આવક થઈ નથી પરંતુ ગત રાત્રીથી મેઘાએ ફરી વરસાદ વરસાવતા જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ હોવાનો અહેવાલ છે.

જૂનાગઢના રસ્તાઓમાં વરસાદથી મસમોટા ખાડા
જૂનાગઢના મોટાભાગનાં રસ્તાઓ વરસાદના પગલે સાવ ધોવાઈ ગયા હોય, મસમોટા ખાડા પડી ગયા છે. ટુ વ્હીલર વાહન ચાલકો તો ખાડામાં ખાબકી જવાના પણ બનાવો બન્યા છે.

Leave A Reply