સતાધારનાં સંત પૂ.જીવરાજબાપુની વસમી વિદાય ભાવિકો શોકાતુર

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં સતાધાર ધામ એટલે કે સતનાં આધારની આ પરમ પવિત્ર જગ્યાનાં ગાદિપતિ પુજય સંત જીવરાજબાપુનો ગઈકાલે દેહવિલય થતાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પુજય જીવરાજ બાપુનાં વિશાળ અનુયાયી વર્ગોમાં પણ શોક છવાયો છે. રરપ વર્ષ જુની પાવન જગ્યાનાં દિવ્યસંતની આ વસમી વિદાયથી સર્વત્ર ગમગીની વ્યાપેલી છે. આવા સમર્થ સંત પુજય જીવરાજબાપુનાં પાર્થિવ દેહને દર્શનાર્થે સત્તાધાર ધામ જગ્યા ખાતે રાખવામાં આવેલ છે. તેમજ આજે બપોરે પુજય જીવરાજબાપુની પરંપરાગત પાલખી યાત્રા અને સમાધિ આપવામાં આવી રહી છે. ત્યારે સંત જીવરાજબાપુને ભાવાંજલિ અને તેમનાં અંતિમ દર્શનાર્થે માનવ મહેરામણ સતાધારની આ જગ્યા ખાતે ઉમટી પડેલ છે. ગુજરાતનાં વરિષ્ઠ આગેવાનો, વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, જીવરાજબાપુનાં શિષ્ય-સમુદાયગણ પણ ઉપસ્થિત રહેલ છે. સૌરાષ્ટ્રમાં સત્તાધારની પાવન ભૂમિમાં આવેલ તિર્થધામ આપા ગીગાની દિવ્ય જગ્યાના સંત જીવરાજબાપુનો ગત રાત્રે દેહવિલય થતાં ભકતો અને સંત સમુદાયમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. બાપુ બાલ્ય અવસ્થાથી જ સતાધારમાં હતા. ગુરૂ શામજીબાપુએ તેમને શિષ્ય તરીકે તિલક વિધિ કરાવી હતી અને શામજીબાપુએ તેમને મહંત તરીકે બિરાજમાન કર્યા હતા. ૩પ વર્ષથી સત્તાધારની જગ્યામાં ભક્તિભાવમાં લીન રહી તે સતત સેવારત રહ્યા હતા. રરપ વર્ષ અગાઉ આપા ગીગા, મરમણબાપુ, રામબાપુ, હરિબાપુ, લક્ષ્મણબાપુ, શામજીબાપુ પછી જીવરાજ બાપુ આ જગ્યાએ બિરાજયા હતા. તેમના બિરાજમાન થયા બાદ સતાધારની જગ્યામાં શ્યામઘાટ, જીવરાજ ભુવન, જગદીશભુવન જેવા પ્રકલ્પોએ આકાર લીધો હતો.
જીવરાજબાપુ ૯૦ વર્ષની ઉંમર સુધી સતત કાર્યરત હતા. ૩ વર્ષ પહેલાં તેમને રાજકોટની હોસ્પીટલમાં ખસેડાયા હતા. તેમના લઘુમહંત વિજયબાપુને સતત સતત માર્ગદર્શન આપી તે ભક્તોને ધર્મભાવથી જીવન જીવવાનો બોધ આપતા હતા. તાજેતરમાં તેઓને શ્વાસની બિમારી વધી ગઈ હતી. ગઈકાલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી તેમના ખબરઅંતર પૂછવા સતાધાર ગયા હતા. સતાધારની જગ્યામાં ત્રણ દાયકા સુધી મહંતપદને દિપાવીને તેઓએ ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે દેહત્યાગ કર્યો હતો. પુજય જીવરાજબાપુનું જીવન નિષ્કલંક, નિષ્કપટ અને નિર્મળ વ્યકિતત્વ ધરાવતાં આ સંત કોઈપણ જાતની પરિસ્થિતી કે મુશ્કેલીમાં પણ સદાય હસતાં મુખે આવેલી ક્ષણોને પાર કરતાં હતાં તેમજ તેમનાં દર્શને આવનારા ભાવિકોને હસતાં મોઢે આવકારી અને પુજય આપાગીગા અને પુજય શામજીબાપુએ જે ચીલો કંડારેલ હતો. તે ભુખ્યાને અન્નદાન અને કોઈપણ જાતનાં નાત-જાત કે ભેદભાવ વિનાં ભાવિકોને પ્રસાદ-ભોજન કરાવવું અને વિવિધ સેવાકીય પ્રવૃતિમાં પણ સતત તેઓ રહેતાં હતાં. આવા સંતની વિદાયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. આજે તેઓની યોજાયેલી પાલખી યાત્રા અને સમાધિ આપવાની વિધીમાં અનુયાયીઓ અને અનેક સંતો-મહંતો મોટી સંખ્યામાં જોડયા હતાં.

સુપ્રસિધ્ધ આપાગીગાની જગ્યાના મહંત સંત જીવરાજબાપુના નિધનથી મુખ્યમંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી

સૌરાષ્ટ્રના તિર્થધામ એવા સતાધારની સુપ્રસિધ્ધ આપાગીગાની જગ્યાના સંત જીવરાજબાપુના નિધનથી તેમના અનુયાયીઓમાં અને સેવકગણામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તાજેતરમાં વિસાવદર ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂ.જીવરાજબાપુના દર્શનનો લાભ લઈ તેમના તબીયત ખબર પૂછયા હતા. દરમ્યાન જીવરાજબાપુના નિધનથી મુખ્યમંત્રીએ પણ દુઃખની લાગણી અનુભવી અને પરમકૃપાળુ પરમાત્મા સતગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Leave A Reply