Saturday, April 4

જૂનાગઢ જિલ્લામાં જડબેસલાક બંદોબસ્ત સાથે પોલીસનું સઘન ચેકીંગ

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ હોઈ, આ સંજોગોમાં આંતકવાદીઓ દ્વારા કોઈ ગરબડ કરવામાં ન આવે તે માટે જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢમાં પ્રવેશતા તથા જુનાગઢ ખાતેથી બહાર જતા વાહનોનું તથા શંકાસ્પદ લોકોનું ખાસ ચેકીંગ કરવા માટે આપેલ સુચનાઓ આધારે જુનાગઢ પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા શંકાસ્પદ લોકોને ચેક કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માંગરોળ ડિવિઝનના એ.એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબેશ્નર ડીવાય એસપી સ્મિત ગોહેલ, કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે.બી.ગઢવી તથા નવા આવેલા પ્રોબેશ્નર ડીવાયએસપી મિહિરકુમાર બારીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રવેશતા બોર્ડર ઉપર ચેક પોસ્ટ તૈયાર કરી, હથિયાર ધારી માણસો, બુલેટ પ્રૂફ જાકીટ તથા વોકી ટોકી સેટ સાથે તૈનાત કરી, દરેક ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ તથા શકમંદ ઈસમોના ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. જુનાગઢ જિલ્લાના સરહદી જિલ્લા પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાની હદ ખાતેથી પ્રવેશતા તમામ રોડ અને
હાઈ-વે સીલ કરી, સાંકડી ધાર, ધોરાજી ચોકડી, ખજૂરી હડમતીયા, વિસાવદર બોર્ડર, ગડું શેરબાગ, માંગરોળ, શિલ, માણાવદર વિગેરે તમામ જગ્યાએ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. જ્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ તથા હોમ ગાર્ડ ન જવાનો તથા હથિયાર ધારી ઓટોમેટિક હથિયારો સાથે જવાનો તૈનાત કરી, વાહન ચેકીંગ તથા શકમંદ ઈસમોના ખાસ ચેકીંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ માંગરોળ ડિવિઝનના એ.એસ.પી. રવિ તેજાના માર્ગદર્શનમાં પણ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચેકીંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. માંગરોળ તથા દરિયાઈ પટ્ટી વિસ્તારના માછીમારી કરતાં ઈસમો સાથે જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા ખાસ મિટિંગનું આયોજન કરીને દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવ્યે પોલીસને જાણ કરવા માટે પણ અલગ પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલ જુદા જુદા લેન્ડિંગ પોઇન્ટ ઉપર સ્થાનિક પોલીસની સાથે એસ.આર.પી.ની હથિયાર ધારી કમાન્ડો સાથેની એક કંપની પણ તૈનાત કરી, રાઉન્ડ ધ કલાક ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. આમ, જુનાગઢ જિલ્લાના માંગરોળ, શીલ, માધવપુર, ચોરવાડ, જેવા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જુનાગઢ પોલીસ દ્વારા ચેકીંગની સઘન કાર્યવાહી શરૂ કરી, પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબેશ્નર ડીવાય. એસ.પી. સ્મિત ગોહેલ, નવા આવેલ પ્રોબેશ્નર ડીવાયએસપી મિહિરકુમાર બારિયાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેરના એ, બી, સી અને ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ તમામ પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ ચાલુ કરાવી, સઘન ફૂટ પેટ્રોલિંગ તેમજ સુપર કોપ બાઈક મારફતે પેટ્રોલિંગ અને ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ છે. જુનાગઢ શહેરમાં આવેલ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, હાઇ વે ઉપરના ધાબાઓ, વિગેરે જગ્યાઓ ઉપર રાત તેમજ દિવસ દરમ્યાન ખાસ ચેકીંગ કરી, હોટલોના પેસેન્જર લીસ્ટ મંગાવી, રોકાયેલા પેસેન્જર બાબતે ઉંડાણપૂર્વક તપાસ તથા હાજરી અંગેની ખરાઈ તથા ઓળખ અંગેની ખાત્રી કરવાનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે પણ ચેકીંગ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ, જેવી અગત્યની બ્રાંચોના ચુનંદા અધિકારીઓ તથા સ્ટાફને પણ જૂનાગઢ શહેર વિસ્તારમાં ખાસ શકમંદોના ચેકીંગ માટેની જવાબદારી સોંપવામાં આવેલ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.ગોહિલ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પો.ઈન્સ. જે.એમ.વાળા, પેરોલ ફર્લો સ્કવોર્ડનાં પો.સ.ઇ. બી.એમ. વાઘમશી દ્વારા શહેર વિસ્તાર તથા ભવનાથ મંદિર તથા તળેટી વિસ્તારમાં ખાસ વાહનોનું તથા શકમંદ ઇસમોની ચેકીંગ ઉપરાંત શહેર વિસ્તારમાં રહેતા અને ગુન્હેગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો કે જેઓ આવા દેશ વિરોધી તત્વોને મદદ કરવાની વૃત્તિ વાળા છે, જેઓ ઉપર પણ ખાસ નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જરૂર જણાયે આવા ઇસમોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરવાનું આયોજન પણ જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ઉપરાંત ભવનાથ મંદિર ઉપરાંત ભવનાથ તળેટી વિસ્તાર તથા ભવનાથમાં પ્રવેશતા રોડ ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરી, ભવનાથ મંદિર તથા તળેટી વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવવામાં આવેલ છે. મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ સાંસણ ખાતે પણ વાહનો તેમજ આજુબાજુ વિસ્તારમાં રહેતા માણસો તેમજ શકમંદ ઈસમો ઉપરાંત રિસોર્ટ, હોટલો, ફાર્મ હાઉસમાં પણ ચેકીંગ હાથ ધરી, સાસણ ગીરની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવેલ છે.

Leave A Reply