જૂનાગઢ શહેરમાં કયા કામોને અગ્રતા આપવા તે અંગે ટુંક સમયમાં ઘડાશે એકશન પ્લાન

જૂનાગઢ શહેરના વિકાસ માટેના કાર્યોને સતત વેગ મળે તેવા નિર્દેશો મળી રહ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે ટીમ જૂનાગઢને રૂ.રપ.૬૯ કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો અને આ સાથે જ જૂનાગઢ શહેરના વિકાસ માટેના કાર્યો ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
ગાંધીનગર ખાતે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની ઉપસ્થીતીમાં ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાને વિકાસના કામો માટે કુલ રૂ.ર૦૦૦ કરોડની રકમના ચેક વિતરણ કરવામાં આવેલ હતા. સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ ચેક વિતરણના કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરા, મહાનગરપાલિકાના ડે.મેયર હિમાંશુ પંડયા, ચેરમેન કમીટીની ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણ ડાંગરે મુખ્યમંત્રીના હસ્તે આ ચેકને સ્વીકારવામાં આવ્યો હતો.
તાજેતરમાં વિદેશમાં ખાસ મિશન હેઠળ મોકલવામાં આવેલા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરા પરત આવ્યા બાદ ગઈકાલે તાત્કાલીક ગાંધીનગર ખાતે ઉપસ્થીત રહ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલો ચેક શાસક પક્ષની ટીમ સામે સ્વીકારેલ હતો. જૂનાગઢ શહેરના વિકાસ કાર્યને વેગ આપવા માટે આગામી દિવસોમાં જ એકશન પ્લાન ઘડી કાઢવામાં આવશે અને એક પછી એક કાર્યો હાથ ઉપર લેવામાં આવશે. કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, લોકોની જરૂરીયાત દ્વારા અને પ્રાથમીક સુવિધા સહિતના પ્રશ્નોને સૌપ્રથમ અગ્રતા આપવામાં આવશે. માળખાગત સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે અને ખાસ તો આ કાર્યો નક્કી કરવા માટે એક મહત્વની બેઠક પણ મળશે અને મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિતના પદાધિકારીઓ દ્વારા ચર્ચા-વિચારણા કર્યા બાદ કયા કામો કરવા તે અંગે નક્કી કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં કયા કામોને અગ્રતા આપવી તે અંગે એકશન પ્લાન-નકશા ઘડી કાઢવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

Leave A Reply