Saturday, April 4

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શનિવારે જન્માષ્ટમી પર્વની થશે ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. અને તે અંગેની તડામાર તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવને વધાવવાં લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે આ વર્ષે મેઘરાજાએ પણ સારી એવી વર્ષા કરી દેતાં જનજીવન મંદી વચ્ચે પણ ઉત્સાહીત બની ગયું છે અને કૃષ્ણ જન્મોત્સવ બમણાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે.
જન્માષ્ટમી પર્વ પ્રસંગે ગામે ગામ અને શહેરોમાં અનેરા આયોજનો કરવામાં આવેલા છે. શોભાયાત્રા મટકીફોડ, કૃષ્ણ જન્મોત્સવ સહીતનાં કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વિવિધ યુવક મંડળો દ્વારા જન્માષ્ટમી પર્વ પ્રસંગે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં પણ હિન્દુ ઉત્સવ સમિતીનાં નેજા હેઠળ જન્માષ્ટમી પર્વ ઉજવાશે. હરિઓમ યુવક મંડળ સહીતનાં સહયોગ સાથે ભારે ઉત્સાહભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે.
પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ જતી હોય છે. રક્ષાબંધન પર્વ ઉજવાયા બાદ બોળચોથથી ગાય માતાનાં પુજન સાથે ઉજવણીનો પ્રારંભ થયો છે. તેમજ શ્રાવણવદ-પ મંગળવાર તા.ર૦-૮-ર૦૧૯નાં રોજ નાગપાંચમનાં તહેવારની પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાંધણછઠ્ઠનું પર્વ પણ ઉજવવામાં આવ્યું હતું અને આજ તા.રર-૮-ર૦૧૯ ગુરૂવાર અને શુક્રવારનાં શ્રાવણવદ સાતમ એટલે કે શિતળાસાતમની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ શનિવારે તા.ર૪-૮-ર૦૧૯નાં રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે. જેમાં નટખટ કાનાનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. કારાવાસમાં કૃષ્ણનું અવતરણ થતાં તે દિવસે મધ્યરાત્રીએ ભારે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. કંસનાં આસુરી સામ્રાજયનો નાશ કરવા માટે તેમની બહેન દેવકીની કુખે ભગવાન કૃષ્ણ સ્વરૂપે અવતરણ થયુ હતુ.
દેવકી વાસુદેવનું આ સંતાન નંદબાવા અને યશોદા માતાને ત્યાં તેનો ઉછેર થયો હતો. નાનપણથી જ નટખટ કાનાએ ગોકુળમાં ઘેલુ લગાડયુ હતુ અને સમય જતાં કંસનાં સામ્રાજયનો અંત કર્યો હતો અને પૃથ્વી ઉપરથી આસુરી તત્વોનો નાશ કરી સત્યનો વિજય કર્યો હતો એવા પુર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મ દિવસની ઉજવણી શ્રાવણ માસમાં ભારે ઉત્સાહભેર કરવામાં આવે છે.
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર આનંદ ઉત્સવ સાથે શોભાયાત્રા સહીતનાં કાર્યક્રમો મટકીફોડનાં કાર્યક્રમો પણ યોજાય છે.
ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ પ્રસંગે જૂનાગઢ શહેરમાં તથા જૂનાગઢ જીલ્લા તાલુકા મથકો ઉપર પણ વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢમાં આ શોભાયાત્રા ઉપરકોટ નજીક આવેલા રામચંદ્રજી મંદિર ખાતેથી નિકળશે અને શહેરનાં વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે. આ શોભાયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક અને લોકોને સંદેશ આપતા આકર્ષણ ફલોટસ બનાવવામાં આવતા હોય છે જેનું પણ આગવું આકર્ષણ રહે છે. શોભાયાત્રા શહેરનાં વિવિધ માર્ગો ઉપર પસાર થઈ અને સ્વામી નારાયણ મંદિર ખાતે પહોંચે છે અને જયાં ધર્મ સભાનાં રૂપમાં ફેરવાઈ જાય છે. શોભાયાત્રામાં જાડાયેલા આકર્ષણ ફલોટસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ફલોટસને ઈનામો પણ આપવામાં આવે છે. જન્માષ્ટમી તહેવારને આડે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરમાં વિવિધ રસ્તાઓ, ચોકો શણગારવામાં આવી રહ્યા છે તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલા યુવક મંડળોએ પણ આકર્ષણ ફલોટસની સજાવટ કરી છે. જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે ધાર્મિક સ્થળોએ પણ ખાસ કરીને મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી નિમિતે રાત્રીનાં ૧ર-૦૦ કલાકે મહાઆરતી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લાનાં બિલખા, વિસાવદર, કેશોદ, ભેંસાણ, માળીયા, મેંદરડા, માંગરોળ, માણાવદર, બાંટવા, વંથલી સહીતનાં વિસ્તારોમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જન્માષ્ટમીનો તહેવારનો પ્રારંભ થયેલ છે. ત્યારે ‘ઘમર ઘમર મારૂં વલોણુ ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે’ ‘કાનજી તારી માં કહેશે અમે કાનુડો કેશુ રે’ ‘નંદ ઘેર આનંદ ભયો’ જેવા ગીતોનો ગુંજારવ થઈ રહ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોપાનવમીનું પણ એટલું જ અનેરૂ મહત્વ છે. બોળચોથ, નાગપંચમી, રાંધણછઠ્ઠ, શિતળા સાતમ, જન્માષ્ટમી, ગોપાનવમી આ ૬ દિવસનાં પર્વની આસ્થાપુર્વક વર્ષો વર્ષથી ઉજવણી કરાય છે. દરેક ગ્રામ્ય પંથકમાં જન્માષ્ટમી પર્વમાં કાનજીરાસ મટકી ફોડનાં અનેક કાર્યક્રમો યોજાનાર છે.

Leave A Reply