જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામેગામ અને સૌરાષ્ટ્ર-કચ્છનાં શહેરોમાં શોભાયાત્રા સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જૂનાગઢ શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ હરીઓમ ગૃપ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં કૃષ્ણ જન્મ તેમજ રામ જન્મ ઉપરાંત મહાભારત અને રામાયણમાં રાક્ષસો સાથે થયેલાં યુધ્ધનાં ફલોટ્‌સ વિવિધ સંસ્થાઓ અને મંડળોએ બનાવ્યા હતાં. તેને જાઈ લોકો અભિભૂત થયાં હતાં. સારા ફલોટ્‌સ બનાવનાર મંડળને ઈનામ પણ આપવામાં આવેલ હતું. ઉપરકોટ ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણનાં આકર્ષક ફલોટ્‌સવાળી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સંતો અને આગેવાનોની આગેવાનીમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રા જૂનાગઢ શહેરનાં વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી અને ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં બજારોને શણગારવામાં આવી હતી. તેમજ જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ શોભાયાત્રામાં રાસ-મંડળી, ધુન-મંડળી, સંતો મહંતો અને વિવિધ ક્ષેત્રનાં આગેવાનો અને ભાવિકો પણ જાડાયા હતાં. નંદ ઘેર આનંદ ભયો…, જય કનૈયા લાલકી…નાં નારા સર્વત્ર ગુંજી ઉઠ્યાં હતાં. જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીનાં દિવસે બપોરનાં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ મધ્યરાત્રીનાં ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવને વિવિધ ધાર્મિક સ્થળો અને મંદિરોમાં મનાવવામાં આવ્યો હતો. મધ્યરાત્રીએ કૃષ્ણ ભગવાનનાં જન્મોત્સવને વધાવવાં શંખ, ઝાલર, નગારા સહિતનાં નાદો વચ્ચે ઠેર-ઠેર ઉજવણીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને ભાવિકોને પંજરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પર્વ પ્રસંગે જુદાં-જુદાં મંદિરોમાં પ૬ ભોગ પણ ધરાવવામાં આવેલ હતા. આ ઉપરાંત બાળ કનૈયાને ઝુલાવવામાં ભાવિકોનો ધસારો રહ્યો હતો. જૂનાગઢ શહેર ઉપરાંત જીલ્લાનાં બિલખા, વિસાવદર, ભેંસાણ, માણાવદર, બાંટવા, કેશોદ, માળીયા સહિતનાં ગામોમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ હતી. જૂનાગઢ જીલ્લામાં આ વર્ષે ચોમાસાનાં શરૂઆતનાં દિવસોમાં વરસાદ નહીં થતાં લોકો નિરાશ બની ગયા હતાં. પરંતુ શ્રાવણ માસનાં આગમન ટાંકણે ભગવાન શિવજી અને જગદગુરૂ પૂર્ણ પુરૂષોતમ એવા કૃષ્ણ ભગવાનની કૃપા સૌરાષ્ટ્ર-કચ્છમાં થતાં સારો એવો વરસાદ થતાં લોકો આનંદ અને ઉત્સાહીત બની કૃષ્ણ જન્મોત્સવની મજા માણી હતી.

Leave A Reply