જૂનાગઢ શહેર ખાડાનગર, રસ્તાઓ ઉપર ઢોરના અડીંગા!

જૂનાગઢ મહાનગર જાણે કે, ખાડાનગરમાં ફેરવાયું હોય એવી સ્થીતી જોવા મળી રહી છે. એટલું જ નહીં શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ઠેકઠેકાણે રખડતા ઢોરનાં અડીંગા જોવા મળી રહયા છે. એક તો શહેરના સાંકડા માર્ગોથી ઘેરી ટ્રાફીક સમસ્યા છે એમાં દર ચોમાસામાં વરસાદના પગલે ડામર રોડ ધોવાઈ જતા હોવાથી મોટા મોટા ખાડા પડી જવાની સમસ્યા પણ રહે છે. આ વર્ષે પણ વરસાદને પગલે માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. એમાં પણ રેલ્વે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો રસ્તો તો સાવ ધુળીયો બની ગયો છે. એમ.જી. રોડ, ચિત્તાખાના ચોક, બહાઉદીન કોલેજ રોડ સહીતના માર્ગો સાવ ખંઢેર હાલતમાં ફેરવાયા હોય વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહયા છે. આ માટે શાસકો નગરની ભૌગોલિક સ્થીતીનું બહાનું આગળ ધરી દઈ જવાબદારીમાંથી છટકી જાય છે. બાયપાસ, ટીંબાવાડી, મધુરમ વિસ્તાર, ખામધ્રોળ વિસ્તારનાં શેરી-મહોલ્લાઓમાં કાયમી ધોરણે આ સમસ્યાનો નિરાકરણ લાવવા માટે કોઈ પ્રયાસો કરાતા નથી અને દર વર્ષે રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.
એટલું જ નહીં શહેરનાં કાળવા ચોક, એમ.જી. રોડ, ભુતનાથ રોડ, બસ સ્ટેશન રોડ સહીતનાં મુખ્ય માર્ગો ઉપર જયાં જુઓ ત્યાં રખડતા ઢોરનાં અડીંગા જાવા મળી રહયા છે. શાસન વ્યવસ્થા જેવું કંઈ હોય નહીં એમ આ ઢોરોને રસ્તા ઉપરથી ખસેડવા કે તેને ડબ્બે પુરવા પણ અધિકારીઓ મુકપ્રેક્ષક બન્યા હોય, જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા વધુ ઘેરી બની છે. ટ્રાફીક પોલીસ પણ ઢોરની આ સમસ્યાનો તમાશો જાઈ રહી છે. નગરનાં માર્ગો જાણે કે ઢોરો માટેનું અભ્યારણ્ય બન્યું હોય એવું જણાય છે. દર પ૦ ફુટે ઢોરો અડીંગો જમાવીને બેસી જાય છે. આખલા યુધ્ધમાં અનેક લોકોને ઈજા થઈ છે અને કેટલાક લોકો મૃત્યું પણ પામ્યા છે.

Leave A Reply