Friday, September 20

જૂનાગઢનાં રસ્તાઓની હાલત અંગે વિવિધ વિસ્તારોની મુલાકાત લેતાં કમિશ્નર તુષાર સુમેરા

જૂનાગઢ મહાનગર પાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે એટલું જ નહિં લોકોની સમસ્યાને જાણવા માટે કમિશ્નર દ્વારા વહેલી સવારે જૂનાગઢ શહેરનાં દરરોજને માટે જુદાં-જુદાં વોર્ડ અને વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે. પાણી-લાઈટ-ગટર-રસ્તા તેમજ અન્ય કોઈ પ્રશ્નો હોય તો તે અંગે પણ લોકો પાસે જાણકારી મેળવી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરનો વિકાસ કઈ રીતે થઈ શકે ? અને શું-શું પગલાં ભરવાની આવશ્યકતા છે ? તે માટે પણ કમિશ્નરશ્રી દ્વારા કોફી વીથ કમિશ્નર અંતર્ગત જુદાં-જુદાં અગ્રણીઓ, વકીલો, સામાજીક સંસ્થાનાં કાર્યકતાઓ, આમ જનતા તેમજ પત્રકારો, મિડીયા જગત વગેરે સાથે પણ સતત બેઠકનો દૌર ચલાવી રહ્યાં છે અને સુચનો મેળવવામાં આવી રહ્યાં છે. આગામી શનિવારે અને રવિવારે પણ પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયા સાથે કમિશ્નરશ્રીની કોફી વિથ કમિશ્નર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આમ જૂનાગઢ શહેરનાં વિકાસની પ્રક્રિયા માટેનાં આયોજન ઘડવા માટે સુચનો મેળવવાની કાર્યવાહી ચાલુ છે. તો બીજી તરફ લોકોની સમસ્યા જાણવા માટે પણ તેઓ જાત માહિતી આમ જનતા પાસેથી મેળવી રહ્યાં છે. ગત તા.ર૭-૮-ર૦૧૯નાં રોજ આજ અખબાર એટલે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રમાં જૂનાગઢ શહેરનાં લોકોને પડતી મુશ્કેલી અંગે ખાસ તો આ જૂનાગઢ શહેર ખાડાં નગરમાં ફેરવાય ગયું છે અને લોકો આ સમસ્યાથી પિડાઈ રહ્યાં છે તેવો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલની ગંભીર નોંધ લઈ અને કમિશ્નરશ્રી તુષાર સુમેરા અને ટીમ દ્વારા ગઈકાલે સવારનાં સાડા આઠથી પોણા અગિયાર સુધી સતત અઢીથી ત્રણ કલાક જેટલાં સમયગાળામાં જૂનાગઢ શહેરનાં ૧૬ જેટલાં માર્ગો ઉપર ટુ-વ્હીલ ઉપર કમિશ્નરશ્રી નીકળ્યાં હતાં અને વિવિધ વિસ્તારોમાં જાત માહિતી મેળવી હતી. લોકો પાસેથી પણ સ્થળ ઉપર જ માહિતી મેળવી હતી. આ રસ્તાઓમાં ખાડા પડેલાં છે તો તે પહેલેથી જ છે કે હમણાં પડ્યાં છે ? તેમજ ચોમાસાં દરમ્યાન તુટ્યાં છે ? કે આપમેળે તુટી ગયાં છે ? તે સંબંધિત માહિતી મેળવી હતી. ૧૬ જેટલાં રસ્તાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે રસ્તાઓમાં ખાડાઓ પડેલાં છે ત્યાં પેચવર્કથી કામ થતું હોય ત્યાં પેચવર્ક તેમજ રસ્તા બનાવવાની જરૂર હોય ત્યાં રસ્તા બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે અને ગેરંટી પિરીયડમાં જે રસ્તાઓ આવ્યાં હોય અને તુટી ગયેલાં છે તે જે-તે એજન્સીને આ રસ્તાં રિપેરીંગની કામગીરી તત્કાલ હાથ ધરાઈ તેવી સુચના પણ જારી કરવામાં આવનાર હોવાનું જૂનાગઢ કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું.

Leave A Reply