બિલખામાંથી ૩૭પ કિલો કાલાનો જથ્થો ઝડપી પાડતી એસઓજી પોલીસ

જૂનાગઢ જીલ્લાના બિલખા ખાતે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા રેઈડ કરી રૂ.૯.૩૭ લાખની કિંમતના ૩૭પ કિલો નશીલા પદાર્થ કાલા સાથે એક વેપારીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગેની પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર બિલખાના વેપારીની મોડી રાત્રે એસઓજી દ્વારા રૂ.૯.૩૭ લાખની કિંમતના ૩૭પ કિલો નશીલા પદાર્થ-કાલા સાથે ધરપકડ કરવામાં આવતા હલચલ મચી ગઇ હતી. પોલીસે આ વેપારી સામે નાર્કોટીકસ એકટ હેઠળ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ નજીકના બિલખામાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેકસમાં પાન-બીડીની દુકાન ધરાવતા મુકેશભાઇ વૃજલાલ મહેતા (ઉ.વ.૬૦) ગેરકાયદે નશીલા પદાર્થનું વેંચાણ કરતા હોવાની માહિતી મળતા એસ.પી. સૌરભ સિંઘની સુચનાથી ડીવાયએસપી પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ. વાળાએ સ્ટાફ સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રીના દોઢ વાગ્યા સુધી ચાલેલી આ કાર્યવાહી દરમ્યાન મુકેશભાઇ મહેતાની દુકાન અને ગોડાઉનમાંથી રૂ.૯,૩૭,૦૦૦ની કિંમતનો ૩૭પ કિલો નશીલા પદાર્થ-કાલાનો જથ્થો મળી આવ્યો હતો. આથી એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. વાળાએ નશીલા પદાર્થ કાલા અને વેંચાણની રૂ.૯,૦૦૦ની રોકડ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૯,૪૮,૬૩પના મુદામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ બિલખા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા મુજબ નશીલા પદાર્થ સાથે પકડાયેલ વેપારી મુકેશભાઇ મહેતા જરૂરી લાયસન્સ પણ ધરાવે છે, પરંતુ આ લાયસન્સ વર્ષ ર૦૧૬થી રિન્યુ કરાવેલ નહિ છતાં પણ તેણે નશીલા પદાર્થનું પરમીટ ધારકોને વેંચાણ ચાલુ રાખ્યું હતું. વિશેષ તપાસ બિલખાના પીએસઆઇ વી.યુ. સોલંકી ચલાવી રહ્યા છે.

Leave A Reply