જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે ગણેશ ચતુર્થીની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી-સ્થાપન કરવામાં આવી રહી છે. ૧૧ દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવાશે. આજે દુંદાળા દેવ ગણપતિજીનું ઘરે-ઘરે સ્થાપન કરી અને પૂજન-અર્ચન તેમજ મોદક એટલે કે લાડુનો પ્રસાદ ધરાવવામાં આવી રહેલ છે. ગણેશજીનાં મંદિરોએ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયાં છે.
વિધ્નહર્તા દેવ અને રિધ્ધી-સિધ્ધનાં દાતા ભગવાન ગણેશજીનું આપણા જીવનમાં આગવું અને અનેરૂં મહત્વ છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને ત્યારબાદ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિવસે ઘરે-ઘરે ભગવાન ગણેશજીનું સ્થાપન કરી અને ચુરમાનાં લાડુ સાથે પૂજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજથી જ જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવનો પણ પ્રારંભ થાય છે. જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક યુવક મંડળો દ્વારા ભગવાન ગણેશજીની સ્થાપના કરી અને મોટા મંડપ ઉભા કરી અને ૩-૪-પ-૯-૧૦-૧ર દિવસ એમ ઉજવણી કરવામાં આવનાર છે. સવારે અને સાંજે આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવે છે.
આજે જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાજતે-ગાજતે ગણેશજીની શોભાયાત્રા કાઢી અને વિધીવત રીતે મંડપોમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં જૂનાગઢ-રાજકોટ રોડ ઉપર આવેલ ઈગલ ખાતે આવેલાં ભગવાન ગણેશજીનાં મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભારે ભીડ લાગી હતી. અને ગણેશજી ભગવાનનાં દર્શન કરી અને સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના કરી હતી.

Leave A Reply