સૌરાષ્ટ્રમાં મેઘો અનરાધાર : ર૪ કલાકમાં રાજ્યનાં ર૬ ડેમો પાણીથી ભરપુર

શ્રાવણ માસની પુર્ણાહુતિ સાથે વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશજીની મહિમા વર્ણવતાં ભાદરવા માસનો પ્રારંભ થયો છે અને ગણેશચર્તુથીનાં દિવસ એટલે કે રવિવાર અને સોમવાર એમ બે દિવસ જૂનાગઢ સહિત રાજયભરનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ભારે વ્હાલ વરસાવતાં અનરાધાર વરસાદ તુટી પડ્યો હતો. રાજકોટ સહિતનાં શહેરોમાં ૮ કલાકમાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં પણ સારો એવો વરસાદ પડી ગયો છે જયારે રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં સચરાચર વરસાદનાં પગલે નદી-નાળાં અને ડેમોમાં પણ પાણીની ભરપુર આવક થઈ છે. એક અહેવાલ અનુસાર, છેલ્લાં ર૪ કલાકમાં પડેલાં ભારે વરસાદને કારણે રાજયનાં ર૬ ડેમો પાણીથી ભરપુર ભરાય ગયાં છે. વાતાવરણ હજુ પણ મેઘામય છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ જારી કરી છે. મેઘરાજાએ સોમવારે બપોરથી ધમાકેદાર આગમન કરી જૂનાગઢ અને વંથલીને જળબંબોળ કર્યા હતા. ફલ્ડ કંટ્રોલમાંથી તા.૩નાં સવારનાં ૬ સુધીનાં મળેલાં આંકડાની વિગત જાઈએ તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પ૭ મીમી, વંથલીમાં ૪પ મીમી અને વિસાવદરમાં ૯ મીમી વરસાદ નોંધાયો હતો. આ બંને શહેરને ભીંજાવીને મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો. જૂનાગઢ જીલ્લાનો સરેરાશ વરસાદ ૮૧.૬૮ ટકા થયો છે. ગીર-સોમનાથ જીલ્લામાં પણ મેઘમહેર રહી હતી. હવામાન વિભાગે હજી પણ સારા વરસાદની આગાહી કરી છે અને ભાદરવા મહિનામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેવાની સંભાવનાં છે. આ ઉપરાંત ગિરનારનાં જંગલોમાં પડેલાં ઉપરવાસનાં વરસાદનાં કારણે વિલિંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ તેમજ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં પણ પાણીની ભરપુર આવક થઈ હતી.

Leave A Reply