જૂનાગઢનાં વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા ગ્રીન સિગ્નલ : ખર્ચની કોઈ લિમીટ નહીં

જૂનાગઢ મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ તાજેતરમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ અને જૂનાગઢ શહેરને કેમ સુંદર, રળિયામણું અને વિકાસ કામોને વેગ આપી શકાય ? તે માટેની થીમ રજુ કરી હતી. કોર્પોરેશનની ટીમ જૂનાગઢને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત અઢી કલાક સુધી સાંભળ્યાં હતા અને જ્યાં પણ જરૂર પડી ત્યાં પોતાનાં સુચનો પણ આપ્યા હતાં. એટલું જ નહીં જૂનાગઢ શહેરનાં કયાં કામોને પ્રથમ હાથ ઉપર લેવા તે અંગેનું માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. ફાયનાન્સ માટેની નો લીમીટ પણ દર્શાવી હતી અને જૂનાગઢનાં વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા ગ્રીન સિગ્નલ મળી ગયું હોય તેમ કહી શકાય. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ કોર્પોરેશન ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાશુંભાઈ પંડ્યા, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસકપક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, શાસકપક્ષનાં દંડક ધરમણભાઈ ડાંગર તેમજ મનપાનાં પદાધિકારીઓ  રહ્યાં હતાં. આ તકે જૂનાગઢ શહેરનાં વિકાસ કામોને હાથ ઉપર લેવાનાં કામોની વિગત પણ આપવામાં આવી હતી.
ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર શ્રી ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે ગત રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમારી ટીમ એટલે કે ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, શાસકપક્ષનાં નેતા, દંડક અને કમિશ્નર તુષાર સુમેરા સાથે મહત્વની બેઠક યોજી હતી અને જૂનાગઢ શહેરનાં વિકાસ માટે તાત્કાલીક અસરથી વિવિધ વિકાસ કામો હાથ ધરવાં બાબતની અમારી ટીમે જે થીમ રજુ કરી હતી તે ઉપર ધ્યાન કેન્દ્રીત કરી અને અમોને ખર્ચ ગમે તેટલું થાય તેની કોઈ ચિંતા કરશો નહીં. પરંતુ જૂનાગઢ શહેરને પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની બેઠક ખુબ જ ફળદાયી રહી હતી. આ બેઠકમાં ખાસ તો જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરનું બ્યુટીફિકેશન માટે અમોએ ૬૦ કરોડ રૂપિયાની દરખાસ્ત મુકી હતી. જેમાંથી ર૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની સમિતિ આપી હતી અને જે કાંઈ થઈ શકે તે માટે જણાવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં દરરોજ પાણી વિતરણ થાય તે બાબતનો પણ ભાર મુક્યો હતો. વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે પણ આધુનિક સ્ટેડીયમ બનાવવા રૂ.૧૧ કરોડની રકમ ફાળવવા પણ બાંહેધરી આપી હતી. આ ઉપરાંત જૂનાગઢમાં આવેલ સ્વીમીંગ પુલનાં પ્રશ્ને પણ રજુઆત થઈ હતી અને નવો સ્વીમીંગ પુલ જે બધી જ સુવિધા સાથે સામેલ હોય તેવો સ્વીમીંગ  પુલ બનાવવો તેમજ યોગા હોલ સહિતનાં વિવિધ વિભાગો પણ રાખવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ શહેરનાં રસ્તાઓ જ્યાં પણ તુટી ગયા હોય ત્યાં હાલનાં સંજાગોમાં રિપેર કરવા, દામોદરકુંડ ખાતે જે પ્રદુષિત પાણીનો પ્રશ્ન છે તેનાં નિકાલ માટે ગટર ડાયવર્ટ કરવી અને પાણીને શુધ્ધ બનાવવું. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટર યોજનાને તાત્કાલિક અસરથી હાથ ઉપર લેવી તે બાબતે પણ નિર્દેશ આપ્યો હતો. રસ્તાઓને હાલ જરૂર પુરતાં રિપેર કરી નાંખવા પરંતુ ભુગર્ભ ગટર યોજનાનું કામ સંપૂર્ણ થયાં બાદ જૂનાગઢ શહેર માટે નવાં રસ્તાઓ બનાવવા પણ ભારપૂર્વક જણાવેલ હતું.
જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી ગણાતી રોપ-વે યોજના પણ તાત્કાલિક કાર્યરત થાય તે માટે કોર્પોરેશન પણ સહયોગ આપશે જ તેવું મેયરશ્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં જૂનાગઢ શહેરને વર્ષોથી નડતાં રેલ્વે ફાટકનાં પ્રશ્ને પણ ગંભીરતાથી નોંધ લઈ અમોને જણાવ્યું હતું કે જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાને સાથે લઈને રેલ્વે મંત્રીને આ બાબતે મળવું તેમજ જૂનાગઢ શહેરમાં ગ્રોફેડ ખાતે જૂનાગઢ, વિસાવદર, ઉના, દેલવાડા મીટરગેજ લાઈન માટે રેલ્વે સ્ટેશન આપવું અથવા તો શાપુરથી ડુંગરપુર સુધીની લાઈન જાડવી અને આ રીતે ફાટકનો પ્રશ્ન હલ કરવા પણ ગંભીરતાપૂર્વક વિચારણાં ચાલી રહી છે અને આગામી દિવસોમાં રેલ્વે મંત્રીશ્રીને પણ અમારી ટીમ મળશે. તેમજ જૂનાગઢ નરસિંહ મહેતાં સરોવરનાં બ્યુટીફિકેશનનો જે પ્રશ્ન છે તેમાં કોર્પોરેશન કાર્યવાહી કરવા માંગે છે તો આ સાથે જ નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં કૃષિ યુનિવર્સિટીની માલિકી પણ હોય જેથી આગામી દિવસોમાં કૃષિ યુનિવર્સિટીનાં પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને કઈ રીતે વિકાસનાં કામો હાથ ધરી શકાય તે માટે સંમતિ મેળવવામાં આવશે તેમ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું. મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન, શાસકપક્ષનાં નેતા, શાસકપક્ષનાં દંડક અને કમિશ્નરશ્રીએ પણ એક તકે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ ખર્ચની કોઈ ચિંતા ન કરવા જણાવેલ છે જેમ બને તેમ વધુને વધુ વિકાસકામો અને પ્રાથમિક સુવિધાને અગ્રતા આપવા જણાવેલ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરને પાણીની કયારેય મુશ્કેલી ન પડે તે માટે જરૂર પડ્યે નર્મદાનું પાણી આપવા પણ ખાતરી આપી છે.

Leave A Reply