Tuesday, February 18

ટ્રાફીકના આકરા નિયમો જનક્રાંતિનું સ્ફોટકરૂપ ધારણ કરી શકે છે

વિશાળકાય ભારત દેશમાં વસ્તીનું જેટલું પ્રમાણ છે એજ રીતે અનેકવિધ કાયદાઓ પણ અસ્તીત્વમાં છે. પરંતુ આ કાયદાઓનાં નિયમની યોગ્ય રીતે અમલવારી થતી ન હોય, આજે ર૧મી સદીમાં પણ અનેક સમસ્યાઓ સર્જાતી રહે છે. આવી સ્થીતીમાં કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટમાં વધુ એક ફેરફાર કરીને તેના નિયમોની જોગવાઈઓને વધુ કડક બનાવી હોય જેનો દેશભરમાંથી વિરોધ ઉઠયો છે.
હેલમેટ ન પહેરવી, આર.સી. બુક, ડ્રાઈવીંગ લાયસન્સ સાથે ન રાખવા, સીટ બેલ્ટ ન બાંધવું, ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવી, વધુ સ્પીડથી વાહન ચલાવવું, ટ્રાફીક સિગ્નલનો ભંગ કરવો, ઓવરલોડેડ માલ વાહન કરવું, પી.યુ.સી. વગર વાહન ચલાવવું, વિમા વગર વાહન ચલાવવું સહીતના નિયમોના ભંગ બદલ અગાઉ જે દંડ હતો તેમાં તોતીંગ વધારો કરી દેવામાં આવતા લોકોમાં આ મોટર વ્હીકલ એકટ સામે ભારે વિરોધ થઈ રહયો છે.
જો કે, ગુજરાત સરકાર દ્વારા આ સુધારેલ મોટર વ્હીકલ એકટની અમલવારી હાલ પુરતી મોકુફ રાખેલ છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજયોને આ એકટની તાત્કાલીક અમલવારી કરવાની સુચના આપી હોય, હવે ગુજરાત સરકાર શું નિર્ણય કરે છે એ જોવાનું રહયું. જો કે, સરકારનાં સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વિવિધ નિયમો હેઠળ દંડમાં વધારો કરાયો છે તે દંડની રકમ ગુજરાત રાજય સરકાર ઓછી કરશે એવું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે સુધારેલા ટ્રાફીક અને આરટીઓના આકરા નિયમોની જાગવાઈથી હાલ તો પ્રજા ત્રસ્ત બની છે. આ કાળા કાયદાથી લોકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ વધવાની સંભાવના છે. આ ગંભીર પ્રશ્ન અંગે કેન્દ્ર સરકાર યોગ્ય ફેરવિચારણા નહીં કરે તો આગની જેમ આ પ્રશ્ન જનક્રાંતિના સ્ફોટકરૂપમાં ફેરવાઈ શકે તેમ છે. અગાઉ કરતા મોટી રકમનો દંડ ફટકારીને લોકોના રોષનો ભોગ તંત્ર, પોલીસ અને રાજય અને કેન્દ્ર સરકાર બનશે તેમજ જનતા અને તંત્ર વાહકો વચ્ચે તું..તું..મે. મે..ના દ્રશ્યો રોજના સર્જાઈ શકે છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટની જાગવાઈમાં સુધારો કર્યો છે ત્યારે લોકો કટાક્ષમાં એવું પણ કહી રહયા છે કે, હવે ટ્રાફીક પોલીસને આઠમું પગારપંચ મળી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, હેલ્મેટના નામે કરોડો રૂપિયાની દંડ ટ્રાફીક પોલીસ વસુલી રહી છે. ટ્રાફીક દંડની રકમ એક હજાર ટકાથી વધુ લેવા સામે પણ લોકોમાં રોષ વ્યાપેલ છે. રાજકોટમાં તો ફરજીયાત હેલમેટના કાળા કાયદા સામે આગેવાનોએ સત્યાગ્રહ આંદોલન શરૂ કરી સહી ઝુંબેશ શરૂ કરી છે. અને સમગ્ર ગુજરાતમાં આ આંદોલનને લઈ જવાશે એવો નિર્ધાર કર્યો છે. કેન્દ્ર અને રાજય સરકાર મોટર વ્હીકલ એકટમાં સુધારો તો લાવી છે પરંતુ આજે પણ મોટાભાગના શહેરો અને ગામડાઓમાં રસ્તાઓ સાવ ભંગાર છે. શહેર અને મહાનગરોમાં ટ્રાફીક સિગ્નલ બંધ હાલતમાં જાવા મળે છે. રસ્તા ઉપર રખડતા ઢોરોના અડીંગા છે. રસ્તાઓ ઉપર તોતીંગ ખાડા છે, ઠેર-ઠેર પેશકદમીથી રસ્તા સાંકડા બની ગયા છે. આ સુવિધાઓ વધુ સારી રીતે આપવાને બદલે નવા નવા કાયદા કરી લોકો પાસેથી દંડ રૂપે નાણાં ઉઘરાવવામાં આવી રહયા હોય, આ તે કેવો કાળો કાયદો, હવે લોકો જાગૃત બન્યા છે અને સરકાર સામે લડતનું રણશીંગું રાજકોટથી ફુંકાયું છે. જેલભરો આંદોલનની ચીમકી રાજકોટની પ્રજા મંચે આપી છે.

Leave A Reply