Saturday, October 19

જૂનાગઢની જનતા આનંદો : આજથી શહેરની જનતાને એકાંતરા પાણી વિતરણ કરવાની જાહેરાત કરતા મેયર

જૂનાગઢ શહેર કેમ સતત પ્રગતિ અને સર્વ રીતે સુંદર બને તે માટેના પ્રયાસો તેમજ આવનારા દિવસોમાં અનેક નવા આયોજનો માટે કોર્પોરેશનમાં શાસક પક્ષની ટીમ અને કમિશ્નર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાતો લઈ અને જૂનાગઢ શહેર માટે નાણાંની ફાળવણી માટેની પણ રજુઆત સતત થઈ રહી છે. તો બીજીતરફ મુખ્યમંત્રીશ્રીએ પણ જૂનાગઢ શહેરને વિકાસની ટોંચ ઉપર પહોંચાડવા માટેના જે કાંઈ કાર્યો કરવા જાઈએ તે માટે ખુલ્લી ઓફર કરી છે. આ અંગે આયોજનો પણ હાથ ધરવામાં આવી રહયા છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લોકોને કોર્પોરેશન દ્વારા ચાર દિવસે પાણી અપાતું હતું. આ વર્ષે ખુબજ સારો વરસાદ થયો છે અને લોકોની પણ સતત માંગણી છે કે, તહેવારોના દિવસો દરમ્યાન લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળે તે માટે એકાંતરા પાણી વિતરણ થાય તેવી માંગણી ઉઠવા પામી હતી. લોકોની જરૂરીયાતને ધ્યાને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આજથી પાણીનો કાંપ ઉઠાવી લેવામાં આવેલ છે અને લોકોને એકાંતરા પાણી વિતરણનો નિર્ણય ગઈકાલે કરવામાં આવ્યો હોવાનું મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું.
ઉનાળાના દિવસો દરમ્યાન જૂનાગઢ શહેરમાંચાર દિવસે પાણી વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કુદરત અને ઈશ્વરની મહેરબાની થતાં મેઘરાજાએ જૂનાગઢ અને સોરઠ પંથકમાં અમી વરસાવ્યા છે અને હજુ પણ વરસાદ ચાલુ હોય તેવા સંજાગોમાં ગઈકાલે મેયર ધીરૂભાઈ ગોહેલની ચેમ્બરમાં એક મહત્વની બેઠક શાસક પક્ષના પદાધિકારીઓની મળી હતી જેમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, શાસક પક્ષના દંડક ધરમણભાઈ ડાંગર તેમજ કમિશ્નર તુષાર સુમેરા અને મનપાના પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં પાણી કાંપ ઉઠાવી લેવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને તમામ પાસાનો વિચાર કર્યા બાદ આગામી દિવસોમાં પણ મે-જુન સુધી જૂનાગઢ શહેરને પાણી માટે મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન હાથ ધરી અને ચાર દિવસે જે પાણી જૂનાગઢ શહેરને અપાતું હતું અને જે પાણી કાપ હતો તે પાણી કાપને ઉઠાવી લેવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી જ જૂનાગઢ શહેરને એકાંતરા પાણી મળી જશે. આમ કોર્પોરેશને જૂનાગઢ શહેરની જનતાને પીવાનું પાણી એકાંતરા મળે તે માટેના કરવામાં આવેલા નિર્ણયને આવકારવામાં આવેલ છે. તો બીજીતરફ મેયરશ્રીએ જૂનાગઢ શહેરની જનતાને ભારપૂર્વક અપીલ કરતા જણાવેલ છે કે, લોકોને હવે એકાંતરા પાણી મળતું થશે ત્યારે જરૂરીયાત મુજબ અને પાણીનો જેમ ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે પાણીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

Leave A Reply